Top In Ahmedabad

અમદાવાદની 7 સ્કૂલોને DEOની નોટીસ, અપાયો 22 ડિસેમ્બર સુધીનો સમય

મેટ્રોસિટી અમદાવાદમાં ફરી એકવાર BU પરમિશનને લઈને 7 ખાનગી પ્રાથમિક શાળાઓને નોટીસ આપવામાં આવી છે. વાસ્તવમાં અમદાવાદ શહેરમાં શાળાઓની માન્યતા અને બાંધકામ સંબંધિત નિયમોને લઈને શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. શહેરની સાત ખાનગી પ્રાથમિક શાળાઓને BU (બિલ્ડિંગ યુઝ) પરમિશન ન હોવાના કારણે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સાથે સંકલનમાં કરવામાં આવી છે.

આ સાથે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, આગામી સમયમાં BU પરમિશન મેળવવી અથવા જરૂરી ઇમ્પેક્ટ ફી ભરીને શાળાની માન્યતા નિયમસર પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. જો નક્કી કરેલી સમયમર્યાદામાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરવામાં આવે તો આગળ કડક પગલાં લેવામાં આવી શકે છે.

અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, નિયમોનું પાલન કરાવવું એ શિક્ષણ વિભાગની જવાબદારી છે અને વિદ્યાર્થીઓની સલામતી તેમજ સુવિધાઓ સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે. આ મામલે 22 ડિસેમ્બરે તમામ સંબંધિત શાળાઓને સુનાવણી માટે બોલાવવામાં આવી છે, જ્યાં તેઓ પોતાની રજૂઆત કરી શકશે.

અમદાવાદમાં ફરી એક વખત BU પરમિશન વગર ચાલી રહેલી શાળાઓ સામે કડક કાર્યવાહી સામે આવી છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા નિયમભંગ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ જુહાપુરા અને સરખેજ વિસ્તારમાં ધોરણ 9થી 12 સુધીની કુલ 6 શાળાઓને સીલ કરવામાં આવી છે. અચાનક શાળાઓ સીલ થવાને કારણે શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ખાસ કરીને ચિંતાજનક બાબત એ છે કે સીલ કરાયેલી આ 6 શાળાઓમાંથી 2 શાળાઓને આવનારી TET પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર તરીકે ફાળવવામાં આવી હતી.

શાળાઓ સીલ થતાં વિદ્યાર્થીઓનો રોજિંદો અભ્યાસ અટવાઈ ગયો છે, તો બીજી તરફ પરીક્ષા આપનાર ઉમેદવારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. 21 ડિસેમ્બરે યોજાનારી TET પરીક્ષા માટે પસંદ કરાયેલા કેન્દ્રો સીલ થયેલા હોવાથી ઉમેદવારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. પરીક્ષા કેન્દ્ર બદલાશે કે નહીં, પરીક્ષા સમયસર યોજાશે કે નહીં જેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે. હાલ આ મુદ્દે શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button