અમદાવાદમાં વધુ એક બ્રિજ રિપેરિંગ હેઠળ, જાહેર કરી સમયમર્યાદા

અમદાવાદ શહેરમાં વધુ એક મહત્વનો બ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવ્યો છે. શહેરના વ્યસ્ત માર્ગ પર આવેલો શાસ્ત્રી બ્રિજ આગામી 11 મહિના સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. બ્રિજનું સમારકામ 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ 8 જાન્યુઆરી 2027 સુધી ચાલશે.
મ્યુનિસિપલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે બ્રિજની માળખાગત મજબૂતી અને સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી બ્રિજની દુરસ્તીની માંગ ઉઠી રહી હતી, જેને પગલે હવે વ્યાપક સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.
શાસ્ત્રી બ્રિજ બંધ થતા પીરાણા તરફથી વિશાલા તરફ જવા માંગતા વાહનચાલકોને હવે શહેરના આંતરિક માર્ગો પરથી ફરજીયાત ચક્કર મારીને જવું પડશે. પરિણામે શહેરના મધ્ય વિસ્તારમાં ટ્રાફિકનો ભાર વધવાની શક્યતા છે. ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે અને નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે.
લાંબા સમય માટે બ્રિજ બંધ રહેતાં રોજિંદા મુસાફરો, ઓફિસ જતાં કર્મચારીઓ અને વેપારીઓને અસુવિધાનો સામનો કરવો પડશે.




