ભારત-અમેરીકાની ઐતિહાસિક ડીલ પર CM ભૂપેન્દ્ર પટેલની પોસ્ટ, જાણો ગુજરાતને શું થશે મોટો ફાયદો?


ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર કરારને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે આ મહત્વપૂર્ણ નિર્ણયને ભારતીય અર્થતંત્ર માટે એક નવી દિશા ગણાવ્યો છે. હવે તમારા મનમાં સવાલ થશે કે ભારત અને અમેરિકા વચ્ચે થયલી ડીલથી ગુજરાતને શું ફાયદો થશે? તો અમે તમને જણાવી દઈએ કે ભારત અને અમેરિકા વચ્ચેની ડીલથી ગુજરાતના હીરો ઉદ્યોગ, ટેક્સટાઈલ્સ ઉદ્યોગ સહિત અનેક જગ્યાએ મોટો ફાયદો મળવાનો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને કારણે આજે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો એક નવી ઊંચાઈએ પહોંચ્યા છે. ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો પર ટેરિફ (જકાત)માં ઘટાડો એ બંને રાષ્ટ્રો માટે વિજયી સ્થિતિ છે.
ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ડીલ માત્ર કાગળ પરનો કરાર નથી, પરંતુ જમીની સ્તરે લાખો લોકો માટે તકોના દ્વાર ખોલનારો નિર્ણય છે. આ ડીલથી ગુજરાત સહિત ભારતીય ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ સ્પર્ધાત્મક બનાવશે. નાના અને મધ્યમ ઉદ્યોગો માટે અમેરિકા જેવા મોટા બજારની પહોંચ સરળ બનશે. ભારત ખેતી પ્રધાન દેશ છે, જેના કારણે અહીંથી કૃષિ ઉત્પાદનોની નિકાસ વધશે અને ઔદ્યોગિક વિકાસને કારણે રોજગારીની નવી તકો સર્જાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “જ્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહીઓ એકસાથે કામ કરે છે, ત્યારે વૃદ્ધિ, નવીનતા અને સહિયારી સમૃદ્ધિને ઝડપ મળે છે.”
આ ટેરિફ ઘટાડાનો સીધો લાભ ગુજરાત સહિત ભારતની સ્ટીલ, એલ્યુમિનિયમ, આઈટી પ્રોડક્ટ્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રની નિકાસને મળવાની પૂરી શક્યતા છે. ભારતીય નિકાસકારો માટે અમેરિકા હંમેશાથી એક મોટું બજાર રહ્યું છે, પરંતુ ઊંચા ટેરિફને કારણે નફાનું માર્જિન ઓછું રહેતું હતું. હવે 18 ટકાના દરે ટેક્સ લાગવાથી ભારતની મધ્યમ અને નાની ઉદ્યોગ સાહસો (MSMEs) પણ અમેરિકામાં તેમના ઓર્ડર્સ વધારી શકશે. આનાથી ભારતમાં રોજગારીની નવી તકો ઊભી થશે અને ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો જોવા મળશે.
ટેક્સટાઇલ ઉદ્યોગને સૌથી વધુ ફાયદો થશે કારણ કે ભારતના કુલ કાપડ નિકાસનો 28% હિસ્સો એકલા અમેરિકા જાય છે. ટેક્સ ઓછો થવાથી ભારતીય કપડાં બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા હરીફોની સરખામણીમાં વધુ સ્પર્ધાત્મક બનશે.
સી ફુડ (ખાસ કરીને ઝીંગા) અને હીરા-ઝવેરાતના નિકાસ પર ખર્ચ ઓછો થશે. આનાથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ અને જ્વેલર્સને સીધો ફાયદો થશે.
પીએમ મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ, ભારત-અમેરિકા વેપાર કરાર અને ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો પર ટેરિફમાં ઘટાડો એ બંને દેશો માટે ખરેખર ખૂબ સારા સમાચાર છે. આનાથી #MakeInIndiaને નોંધપાત્ર મજબૂતી મળશે, બજારની પહોંચ વિસ્તરશે અને ભારતીય MSME, ખેડૂતો, યુવાનો તેમજ બંને દેશોના વેપારીઓ માટે નવી તકો ઊભી થશે. જ્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહીઓ એકસાથે કામ કરે છે, ત્યારે વૃદ્ધિ, નવીનતા અને સહિયારી સમૃદ્ધિને ઝડપ મળે છે. ભારતની આર્થિક યાત્રામાં આ મોટા સીમાચિહ્ન માટે માનનીય વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા હતા.




