યુઝર્સની પ્રાઇવસી પર સુપ્રીમ કોર્ટનો સખ્ત આદેશ, આપી WhatsAppને વૉર્નિંગ


સુપ્રીમ કોર્ટે મંગળવારે WhatsAppની પ્રાઇવસી પોલિસીને લઈને મેટા પ્લેટફોર્મ્સને સખત શબ્દોમાં ચેતવણી આપી. WhatsApp અને Metaની પ્રાઇવસી પોલિસી સાથે જોડાયેલા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સખત વલણ અપનાવીને સ્પષ્ટ કર્યું કે આ ડેટા શેરિંગ પ્રક્રિયા ભારતીય યુઝર્સના પ્રાઇવસીના અધિકારોની વિરુદ્ધ છે. CJI જસ્ટિસ સૂર્યકાંતે WhatsAppને નિર્દેશ આપતા કહ્યું, “અમે તમને Meta સાથે એક પણ માહિતી શેર કરવાની મંજૂરી આપીશું નહીં. અમે તમને આ દેશની પ્રાઇવસી પોલિસીઓ સાથે રમવાની મંજૂરી ક્યારેય નહીં આપીએ.”
કોર્ટે એમ પણ કહી દીધું કે જો કંપનીઓ બંધારણનું પાલન કરી ન શકે તો તેમણે દેશ છોડી દેવો જોઈએ. આ સુનાવણી વોટ્સએપની 2021ની પ્રાઇવસી પોલિસી સાથે જોડાયેલા કેસમાં ચાલી રહી છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)એ વોટ્સએપ પર 213 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જેને નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) દ્વારા માન્ય રાખવામાં આવ્યો હતો. આ નિર્ણયને મેટા અને વોટ્સએપ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલી બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY)ને પણ આ અરજીમાં એક પક્ષ બનવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કંપનીઓને ચેતવણી આપી છે કે કાં તો તેઓ ડેટા શેર ન કરવાની લેખિતમાં ખાતરી આપે, નહીં તો કોર્ટે આદેશ પસાર કરવો પડશે. બેન્ચે કહ્યું કે આ મામલે 9 ફેબ્રુઆરીએ વચગાળાનો આદેશ જારી કરવામાં આવશે.
સુનાવણી દરમિયાન, ચીફ જસ્ટિસે વોટ્સએપની પ્રાઇવસી પોલિસીની ભાષા પર ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ગોપનીયતાનો અધિકાર આ દેશમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને કંપનીઓ તેનું ઉલ્લંઘન કરી શકે નહીં. બેન્ચે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, “તમે ડેટા શેરિંગના બહાને આ દેશની પ્રાઇવસી સાથે રમત ન કરી શકો. તમારી પ્રાઇવસીની શરતો એટલી ચાલાકીથી તૈયાર કરવામાં આવી છે કે એક સામાન્ય માણસ તેને સમજી શકતો નથી. આ વ્યક્તિગત માહિતી ચોરી કરવાની એક ‘સભ્ય રીત’ છે, જે અમે થવા નહીં દઈએ.”
ચીફ જસ્ટિસે એમ પણ કહી દીધું કે “જો તમે અમારા બંધારણનું પાલન ન કરી શકો, તો ભારત છોડી દો. અમે નાગરિકોની ગોપનીયતા સાથે ચેડા થવા દઈશું નહીં.” કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે તે ડેટાના એક પણ શબ્દની શેરિંગને મંજૂરી આપશે નહીં. હવે બધાની નજર 9 ફેબ્રુઆરી પર છે, જ્યારે કોર્ટ આ મામલે પોતાનો વચગાળાનો નિર્ણય સંભળાવશે.




