Top In Ahmedabad
અમદાવાદના ઈસનપુરની કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગ ફાટી નીકળી, ફાયર વિભાગની 8 ગાડી ઘટનાસ્થળે


અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં મોની હોટેલ નજીક આવેલા ગુરુકૃપા એસ્ટેટમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં આજે અચાનક ભીષણ આગ લાગી હતી. કેમિકલ સામગ્રી હોવાના કારણે આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની કુલ 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ કાબૂમાં લેવા માટે ભારે પ્રયાસો શરૂ કરાયા હતા. કેમિકલના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને ધુમાડાના મોટા ગોટે ગોટા દૂર સુધી દેખાઈ રહ્યા હતા.
સુરક્ષા કારણોસર આસપાસના વિસ્તારોને સાવચેત રાખવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ સુધી જાનહાનિના કોઈ સત્તાવાર અહેવાલ સામે આવ્યા નથી.



