Top In Ahmedabad

અમદાવાદમાં શટલ રિક્ષામાં મુસાફરી કરનારા લોકો ચેતે, મહિલાના 2 લાખના દાગીનાની ચોરી

અમદાવાદમાં શટલ રિક્ષા ગેંગ ફરી સક્રિય બની છે. વાત જાણે એમ છે કે મહારાષ્ટ્રથી આવેલા પરિવારને નિશાન બનાવતા આખો મામલો સામે આવ્યો હતો. મળતી માહિતી મુજબ બહારથી આવેલા આ પરિવારને નિશાન બનાવી ગઠિયાઓએ મહિલાના બેગમાંથી અંદાજે બે લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાલુપુર રેલવે સ્ટેશનથી સૈજપુર જતી વખતે રિક્ષામાં બેઠેલા શખ્સોએ ચાલાકીથી ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરમાં મુસાફરોને ટાર્ગેટ બનાવી ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ મામલે મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના થાણા જિલ્લાના ડોમ્બિવલી ઈસ્ટ વિસ્તારમાં રહેતી શર્મિલા સોનારે પોતાના ભાઈ દીપક અને બે બાળકો સાથે અમદાવાદ આવવા માટે ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેઓ કાલુપુર રેલવે સ્ટેશન પર ઉતર્યા બાદ સૈજપુર જવા માટે સ્ટેશન બહારથી એક રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં પહેલેથી જ ત્રણ મુસાફરો બેઠેલા હતા. શર્મિલાએ તેમને નીચે ઉતારવા કહ્યું હતું, પરંતુ રિક્ષાચાલકે આ લોકો આગળ ઉતરવાના છે કહીને વાત ટાળી દીધી હતી. મહિલાના ભાઈ ડ્રાઈવરની બાજુમાં બેઠા હતા જ્યારે શર્મિલા બાળકો અને સામાન સાથે પાછળ બેઠા હતા.

રિક્ષા સૈજપુર તરફ જવાના બદલે સારંગપુર તરફ લઈ જતાં મહિલાને શંકા ગઈ હતી. તેમણે ચાલકને પૂછતાં તેણે ફરી મુસાફરોને આગળ ઉતારવાના હોવાનું કહ્યું હતું. થોડા સમય બાદ ચાલકે ટાયરમાં હવા ઓછી હોવાનું કહી એક મુસાફરને પાછળ બેસાડ્યો હતો. આ દરમિયાન મહિલાને પોતાના સામાન સાથે કોઈ છેડછાડ થતી હોવાની શંકા થઈ હતી. ત્યારબાદ ખોખરા સર્કલ પાસે પહોંચીને રિક્ષાચાલકે તેમને અહિયાં ઉતરી જવા કહ્યું અને અન્ય મુસાફરોને ઉતારીને પાછો આવવાનું કહી ત્યાંથી નીકળી ગયો હતો. ખાસ વાત એ રહી કે ચાલકે ભાડું પણ લીધું નહોતું.

શર્મિલા થોડો સમય રાહ જોયા બાદ બીજી રિક્ષામાં બેસીને પોતાના પિયર સૈજપુર પહોંચી હતી. ત્યાં સામાન તપાસતા બેગમાંથી અંદાજે બે લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં શંકા વ્યક્ત કરી છે કે રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેઠેલા ગઠિયાઓએ તકનો લાભ લઈને દાગીના ચોરી લીધા હતા. પોલીસે CCTV ફૂટેજ અને રિક્ષાના રૂટના આધારે આરોપીઓને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ પોલીસે લોકોને અજાણ્યા મુસાફરો સાથે શટલ રિક્ષામાં બેસતી વખતે સાવચેત રહેવા અપીલ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button