ગુજરાતમાં ખેડૂતો પાયમાલ: અનાજ, શાકભાજી સાથે કેરીનો પાક પણ માવઠા અને વાવાઝોડામાં ધોવાયો


રાજ્યમાં અચાનક બે દિવસથી વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યુ છે, ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. રાજ્યમાં ચણા, રાયડો, ઈસબગુલ, વરીયાળીના પાકને નુકસાન પહોંચ્યુ છે, આ ઉપરાંત કેરી અને શાકભાજીના પાકને પણ નુકસાન થવાની શક્યતા છે.
રાજ્યમાં ખેડૂતોને માવઠાએ રાતા પાણી રડાવ્યા છે. અચાનક માવઠુ થતાં ખેડૂતોને ફરી એકવાર પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ પેદા થઇ છે. હાલમાં મળેલા રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં મોટા ભાગના પાકોને મોટુ નુકસાન મિની વાવાઝોડા અને માવઠાથી થયુ છે, બરબાદીના વરસાદે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોના ખેડૂતોને પાયમાલ કર્યા છે. ચણા, રાયડો, ઈસબગુલ, વરીયાળીના પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે. આ ઉપરાંત વાવાઝોડાના કારણે કેરીના પાકને પણ નુકસાન થયુ છે, કમોસમી વરસાદથી શાકભાજી સાથે સાથે અન્ય શિયાળુ પાક પણ પલળી જતાં નુકસાનીની ભીતિ છે.
અરવલ્લીના મેઘરજમાં પણ માવઠાએ ચિંતા વધારી છે અહીં બસ સ્ટેશન વિસ્તાર, અંબાવાડી સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતાં બાગાયતી સહિતની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. સાબરકાંઠા જિલ્લામાં પણ બરબાદીનો વરસાદ વરસ્યો, હિંમતનગર, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા પંથકમાં ભારે પવન સાથે માવઠું થતાં ખેડૂતો નુકસાનની આશંકાથી ચિંતામાં મૂકાયા છે. કારણ કે શિયાળું પાક તૈયાર થઇ ગયો હોય પરંતુ હજું ખેતરમાં જ હોય તેવો પાક પલળતા ખેડૂતોની ચિંતા વધી છે. ગોધરા સહિતના વિસ્તારોમાં માવઠાએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ખાસ કરીને ફળોની ખેતી કરતા ખેડૂતોને નુકસાન થયું છે. કાચી કેરીઓ ખરી જતાં પારવાર નુકસાન થયું છે. આ ઉપરાંત ખેડૂતો ચિંતિત છે કારણ કે, વરિયાળી, એરંડા, ઘઉં સહિતના પાકને નુકસાન પહોંચ્યુ છે.




