દાહોદના અભલોડમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગથી અફરાતફરી, 200 લોકોને થઈ અસર


દાહોદના અભલોડ ગામમાં લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 200થી વધુને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. લોકોની તબિયત લથડતા લગ્ન પ્રસંગમાં દોડધામ મચી ગઈ હતી. જમણવારમાં પનીરનું શાક, કેરીનો રસ સહિતની વાનગીઓ જમ્યા બાદ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. વડીલો, બાળકો, મહિલાઓ બધાને ઝાડા-ઉલ્ટી થતાં આખુ ગામ 108ની સાયરનથી ગુંજવા લાગ્યું હતું. તમામને આસપાસની હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું હતું. લગ્નના સ્થળે જઈને ખોરાકના નમૂના લેવામાં આવ્યા હતા. ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે પ્રયત્નો શરૂ કરાયા હતા.
દાહોદના અભલોડ ગામે એક લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ લોકોની તબિયત એકાએક બગડતા દોડધામ મચી ગઈ હતી. આ લગ્ન સમારોહમાં અંદાજે 1000 જેટલા લોકોએ ભોજન કર્યું હતું તેમાંથી 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જમ્યાના માત્ર 2 કલાક બાદ જ ફૂડ પોઈઝનિંગની અસર થવા લાગી હતી. અચાનક વડીલો, બાળકો અને મહિલાઓ બીમાર પડવા લાગ્યા હતા. ગામમાં એકાએક લોકોની તબિયત લથડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 108 એમ્બ્યુલન્સના સાયરનથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું. જેમને એમ્બ્યુલન્સ ન મળી તેઓ ખાનગી વાહનો મારફતે દર્દીઓને લઈને તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા.
ફૂડ પોઈઝનિંગનો ભોગ બનનારા લોકોની સંખ્યા 200ને વટાવી ગઈ છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલ પહોંચતા ઝાયડ્સ હોસ્પિટલના વહીવટી તંત્રમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. હોસ્પિટલનો સ્ટાફ યુદ્ધના ધોરણે દર્દીઓની સારવારમાં લાગી ગયો છે. આ ઘટનાની જાણ થતા જ ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને દર્દીઓની સ્થિતિ જાણી ડોક્ટરોને જરૂરી સૂચનાઓ આપી હતી. આરોગ્ય વિભાગની ટીમો પણ તાત્કાલિક હરકતમાં આવી છે. ગરબાડા તાલુકાના તમામ ડોક્ટરો અભલોડ પ્રાથમિક સારવાર કેન્દ્ર પર જોવા મળ્યા હતા. હજુ સુધી ફૂડ પોઈઝનિંગ કઈ વાનગીને કારણે થયું છે તે સ્પષ્ટ થયું નથી પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ લગ્ન પ્રસંગમાં પીરસાયેલ પનીરનું શાક અથવા કેરીના રસને કારણે આ અસર થઈ હોવાની શક્યતા સેવાઈ રહી છે. આરોગ્ય વિભાગની ટીમ ગામમાં પહોંચી હતી અને ભોજનના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને તપાસ બાદ ચોક્કસ કારણ જાણી શકાશે.




