GUJARAT

ગુજરાતમાં 18 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવશે : હવામાન વિભાગની આગાહી

 રાજ્ય પર વધુ એક વખત કમોસમી વરસાદનું સંકટ આવી ચઢ્યું છે. આવતીકાલથી લઈને 20મી માર્ચ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. રાજ્યના હવામાન વિભાગના દ્વારા આ આગાહી કરવામાં આવી છે. 18 છી 20 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે માહિતી આપતા કહ્યું કે, હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેને પગલે 18 થી 20 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી આવી છે. 18 થી 19 માર્ચના ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. 

આવતીકાલે 18 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, કચ્છ જેવા જિલ્લાઓમાં  પવન, ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી છે. 

19 માર્ચના ગુરુવારના રોજ બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે પવન, ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. 

20 માર્ચ, શુક્રવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે. 

અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળવાની શક્યતા છે. 18 થી 20 માર્ચ દરમિયાન મજબૂત પશ્ચિમી વિક્ષેપની અસરથી ગરમી વચ્ચે વરસાદ પડવાની આગાહી છે. 26 એપ્રિલ પછી ગરમીમાં વધારો થવાની સંભાવના, તાપમાન 43°C સુધી પહોંચી શકે છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button