એક નાનકડી માહિતી ટ્રાફિક પોલીસ ઈનચાર્જ તરફ થી

અમદાવાદ, ગુજરાતનું આર્થિક પાટનગર, વિકાસના પંથે ઝડપથી આગળ વધી રહ્યું છે. પરંતુ આ પ્રગતિ સાથે એક એવી સમસ્યા પણ વિકરાળ બની રહી છે, જે દરેક અમદાવાદવાસીને ક્યાંક ને ક્યાંક અડે છે – ટ્રાફિકની સમસ્યા.
શહેરના મુખ્ય રસ્તાઓ પર સવારથી સાંજ સુધી વાહનોની લાંબી કતારો, હોર્નનો કર્કશ અવાજ અને અસ્તવ્યસ્ત વાહન વ્યવહાર એ હવે એક સામાન્ય દૃશ્ય બની ગયું છે. આ સમસ્યા પાછળ અનેક કારણો જવાબદાર છે. સૌથી મોટું કારણ છે આડેધડ પાર્કિંગ. લોકો દુકાનો, ઓફિસો અને રહેણાંક વિસ્તારોની બહાર ગમે ત્યાં વાહનો પાર્ક કરી દે છે, જેના કારણે રસ્તાની જગ્યા ઘટી જાય છે અને ટ્રાફિક જામ થાય છે.
આ ઉપરાંત, આપણે નાગરિકો તરીકેની આપણી માનસિકતા પણ જવાબદાર છે. ‘હું પહેલા નીકળી જાઉં’ ની ઉતાવળ અને ‘જો હું ન નીકળી શકું, તો કોઈને ન નીકળવા દઉં’ જેવી હરીફાઈની ભાવના ટ્રાફિકને વધુ જટિલ બનાવે છે. ભણેલા-ગણેલા અને સભ્ય નાગરિકો પણ ઘણી વાર અભણ અને અસભ્ય નાગરિકો જેવું વર્તન કરે છે, જે શરમજનક છે.
ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ કોઈ વિકલ્પ નથી, પરંતુ આપણી નૈતિક ફરજ છે. જો દરેક નાગરિક પોતાની જવાબદારી સમજીને ટ્રાફિક સિગ્નલનું પાલન કરે, યોગ્ય રીતે વાહન ચલાવે અને પાર્કિંગના નિયમોનું સન્માન કરે તો આ સમસ્યાનો ઉકેલ ચોક્કસથી આવી શકે છે.
સવાલ એ છે કે, પહેલ કોણ કરશે?
સરકાર અને તંત્ર દ્વારા કરવામાં આવતા પ્રયાસો આવકાર્ય છે, પરંતુ જ્યાં સુધી આપણે નાગરિકો સહકાર નહીં આપીએ, ત્યાં સુધી કોઈ પણ નિયમ કે કાયદો અસરકારક સાબિત નહીં થાય.
ચાલો, એક જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આપણે સૌ આ પહેલ કરીએ. આજથી જ ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવાનો સંકલ્પ લઈએ. યાદ રાખો, ટ્રાફિકને સુધારવાની જવાબદારી પોલીસ કે તંત્રની જેટલી છે, એટલી જ આપણી પણ છે. સુરક્ષિત અને સુવ્યવસ્થિત અમદાવાદનું નિર્માણ આપણે જ કરી શકીશું…




