ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ, જાણો શું છે કારણ


ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલી વધી શકે છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું છે. કોર્ટની મુદ્દતોમાં વારંવાર હાજર ન રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ અમદાવાદ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું છે. વર્ષ 2018માં PAAS આંદોલન દરમિયાન નિકોલમાં પ્રતીક ઉપવાસને લઇને ગુનો નોંધવામાં આવ્યો હતો. હાર્દિક પટેલ, ગીતા પટેલ, કિરણ પટેલ, આશિષ પટેલ સહિતના લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. કોર્ટની મુદ્દતોમાં વારંવાર હાજર ન રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું છે.
2018માં પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) દ્વારા ગુજરાતમાં પાટીદાર સમાજ માટે અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગણીને લઈને આંદોલન ચલાવવામાં આવ્યું હતું. આ આંદોલનના ભાગરૂપે હાર્દિક પટેલે 25 ઓગસ્ટ, 2018થી અમદાવાદના નિકોલ વિસ્તારમાં આમરણાંત ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જોકે, આ ઉપવાસ શરૂ થાય તે પહેલાં જ પોલીસે હાર્દિક પટેલ સહિત અન્ય PAAS કાર્યકરોની અટકાયત કરી હતી, જેના કારણે આ ઘટના ચર્ચામાં આવી હતી.
આ ઘટના દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકનો આરોપ લાગ્યો હતો, જેના આધારે હાર્દિક પટેલ, ગીતા પટેલ, કિરણ પટેલ, આશિષ પટેલ સહિત કુલ 9 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનો નોંધાયો તે બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.




