Top In Ahmedabad
અમદાવાદ AMCની કડક કાર્યવાહી: ‘મફત પિઝા’ વેચનાર આઉટલેટ સીલ


અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં નવા શરૂ થયેલા એક પિઝા આઉટલેટને ‘મફત પિઝા’ આપવું ભારે પડ્યું છે. પીઝા વિતરણ બાદ જાહેર રસ્તા પર ગંદકી ફેલાવવા બદલ સીલ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સોલિડ વેસ્ટ વિભાગે આ કડક કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવા પિઝા આઉટલેટે ગઈકાલે 5 ઓક્ટોબરે લોન્ચિંગના ભાગરૂપે લોકોને મફતમાં પિઝાનું વિતરણ કર્યું હતું. આ મફત પિઝા મેળવવા માટે આઉટલેટની બહાર લોકોની પડાપડી થઈ હતી. જોકે, પિઝાનું વિતરણ પૂર્ણ થયા બાદ જાહેર રસ્તા પર મોટા પ્રમાણમાં ગંદકી અને કચરો ફેલાયો હતો.AMCના જણાવ્યા અનુસાર, પિઝા સ્ટોરના માલિકે આ ગંદકી અને કચરો સાફ કરવાની તસ્દી લીધી નહોતી. જાહેર માર્ગોની સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ રહેતા અને ગંદકી ફેલાવતા, AMCના સોલિડ વેસ્ટ વિભાગે આઉટલેટને સીલ મારી દીધું છે.



