GUJARAT
સુરેન્દ્રનગરના થાનમાં પોલીસ ચેકિંગ દરમિયાન નબીરાએ ભરબજારે કાર ભગાવીને 15ને અડફેટે લીધા, 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત


રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે થાનમાં પોલીસની ચેકિંગ ડ્રાઇવ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સર્જાઈ હતી. પોલીસે કાળા કાચ બદલ એક કારને રોકતા જ બેફામ નબીરો કાર લઈને નાસી છૂટ્યો હતો. પોલીસની હાજરીમાં જ નબીરો કાર લઈને ભાગ્યો હતો.
આ નબીરાએ ભર બજારમાં 15થી વધુ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 2 લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.પોલીસની હાજરીમાં જ બનેલી આ ઘટના બાદ, ખુદ DYSP અને થાન PI એ નબીરાની અટકાયત કરી તેને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે નંબર પ્લેટ વગરની અને બ્લેક ફિલ્મ ધરાવતી અન્ય લક્ઝુરિયસ ગાડીઓ પણ જપ્ત કરી કાયદો અને વ્યવસ્થા સુધારવાના પ્રયાસો શરૂ કર્યા છે.




