અમદાવાદના SG હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ, 1નું મોત, 3 ઈજાગ્રસ્ત


અમદાવાદના SG હાઇવે પર આજે (આઠમી નવેમ્બર) વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. થલતેજ અન્ડરપાસ નજીક હાઇવે પર ઊભેલા એક ટ્રક સાથે પાછળથી આવતી કાર ધડાકાભેર અથડાતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી અનુસાર, થલતેજ અન્ડરપાસ નજીક એક આઇસર ટ્રક રોડ પર ઊભેલી હતી. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી એક કાર ટ્રકની પાછળના ભાગમાં જોરદાર ટકરાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કાર ચલાવી રહેલા એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત સર્જવાના ચોક્કસ કારણો જાણવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.




