ફરીદાબાદમાં વધુ એક દરોડો, 2,563 કિલો શંકાસ્પદ વિસ્ફોટક જપ્ત; પરિવહન માટે ટ્રક બોલાવી


હરિયાણાના ફરિદાબાદ જિલ્લામાં પોલીસે વિસ્ફોટકોનો બીજો એક વિનાશક જથ્થો જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ ફરીદાબાદના ફતેહપુર ટાગા ગામમાંથી 2,563 કિલો શંકાસ્પદ વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે. વિસ્ફોટકોનો આ જથ્થો એટલો મોટો છે કે સુરક્ષા એજન્સીઓને તેના પરિવહન કરવા માટે ટ્રકની વ્યવસ્થા ગોઠવવી પડી છે. પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ વિસ્ફોટક એમોનિયમ નાઈટ્રેટ છે.
ફરીદાબાદ પોલીસ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ આજ સવારથી જ આ વિસ્તારમાં દરોડા પાડી રહી છે. અગાઉ ધૌજ વિસ્તારમાં 360 કિલો વિસ્ફોટકો જપ્ત કરાયો હતો. આ સાથે 20 ટાઈમર, વોકી ટોકી અને અસોલ્ટ રાયફલ મળી આવ્યા હતા. આ મામલામાં જમ્મુ-કાશ્મીર અને હરિયાણા પોલીસે બે ડોક્ટરો આદિલ અહેમદ રાથર અને મુઝમ્મિલ શકીલની ધરપકડ કરી છે. મુઝમ્મિલે ધૌજ અને ફતેહપુર ટાગા ગામમાં રૂમ ભાડે લીધા હતા.
આ મકાન ડૉ. મુઝમ્મિલે એક મૌલાના પાસેથી ભાડે લીધું હતું. મૌલાનાને પણ પોલીસે અટકાયતમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘર ધૌજથી લગભગ 4 કિલોમીટર દૂર આવેલું છે.
ધૌજથી 4 કિલોમીટર દૂર ફતેહપુર ટાગા ગામમાં મુઝમ્મિલે આ ઘર મૌલાના, ઇસ્તક પાસેથી ભાડે લીધું હતું. મૌલાનાને આજે સવારે પોલીસે કસ્ટડીમાં લીધો હતો. પોલીસે ધૌજમાંથી 360 કિલોગ્રામ વિસ્ફોટકો, 20 ટાઈમર, વોકી-ટોકી અને એસોલ્ટ રાઈફલ્સ જપ્ત કર્યા હતા. 6 ઓક્ટોબરે સહારનપુરમાં ધરપકડ કરાયેલા ડૉ. આદિલ અહેમદની માહિતીના આધારે મુઝમ્મિલની ધરપકડ કરી હતી. આ જથ્થો આખા શહેરને તબાદ કરવા માટે પૂરતો હતો.
ડૉ. મુઝમ્મિલ ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં ભણાવતા હતા, જ્યારે આદિલ અહેમદ અનંતનાગની સરકારી હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર પણ છે. જૈશ-એ-મોહમ્મદના સમર્થનમાં પોસ્ટરો લગાવ્યા બાદ આદિલ સુરક્ષા એજન્સીઓના રડારમાં આવ્યો હતો. આ પછી આ મોટા આતંકવાદી ષડયંત્રની કડીઓ ખુલવા લાગી.




