Top In Ahmedabad

અમદાવાદમાં આતંકીઓએ લાલ દરવાજા સહિત ત્રણ સ્થળોની કરી હતી રેકી, ગુજરાત ATSની તપાસમાં ખુલાસો

ગુજરાત ATSએ ISKP (ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિન્સ) સાથે જોડાયેલા ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે.ગુજરાત ATSની તપાસમાં આતંકીઓ કોઇ મોટી ઘટનાને અંજામ આપવાના હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદના કેટલાક ભીડભાડવાળા વિસ્તારોની રેકી પણ આ આતંકીઓએ કરી હોવાનો ખુલાસો થયો છે.

અમદાવાદ સહિત અનેક શહેરોની આતંકીઓએ કરી હતી રેકી

ATSના અધિકારીઓએ આતંકીઓની સઘન પૂછપરછ કરવાની સાથે મોબાઇલ પર ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે લખનૌ, દિલ્હી,અમદાવાદ અને મુંબઇ જેવા શહેરોના સંવેદનશીલ સ્થળોની રેકી કરી હતી. પોલીસને કેટલાક સ્થળોના ફોટોગ્રાફ્સ પણ મોબાઇલ ફોનમાંથી મળી આવ્યા છે. આ અંગે પણ ATS દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં આ આતંકીઓે નરોડા ફ્રૂટ માર્કેટ, લાલ દરવાજા સહિત ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરી હતી. આ આતંકીઓએ વીડિયો બનાવી પાકિસ્તાની હેન્ડલરને પણ મોકલ્યો હતો.

લાલ દરવાજા પાસેની હોટલમાં ડૉ.અહેમદ રોકાયો હોવાનો ખુલાસો

આતંકી અહેમદ લાલદરવાજા પાસે આવેલી એક હોટલમાં રોકાયો હોવાનો ખુલાસો થયો છે. 

આ સિવાય ગુજરાત ATSની ટીમે યુપીના બે આતંકીઓ આઝાદ અને સુહેલે લખનૌ,દિલ્હીની ભીડભાડવાળી જગ્યાઓની પણ રેકી કરી હોવાનો ખુલાસો થયો છે.લખનૌમાં RSS કાર્યાલય અને દિલ્હીમાં પણ રેકી કરી હોવાનું ખુલ્યુ છે. આતંકી અહેમદ સૈયદ વિદેશી કટ્ટરવાદીઓના સંપર્કમાં હતો. ત્રણેય આતંકીઓ ISKPના પાકિસ્તાની હેન્ડલર અબુ ખદીજાના સંપર્કમાં હતા.ગુજરાત ATSની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખસો આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને તેઓ રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે ATSની ટીમે શંકાસ્પદ વ્યક્તિઓ પર સઘન વોચ ગોઠવી હતી, જેના પરિણામે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત ATSના Dysp એસએલ ચૌધરીને બાતમી મળી હતી કે હૈદરાબાદમાં રહેતો અહેમદ સૈયદ નામનો આતંકી ગુજરાતમાં આવ્યો છે અને હાલ તે ગાંધીનગર જિલ્લાના કલોલના શેરથા પાસે હથિયારો લઇને અમદાવાદ તરફ આવવાનો છે. જે બાતમીના આધારે વોચ ગોઠવીને તેલંગાણા પાર્સિગની એક કારમાંથી અહેમદ સૈયદ નામનો વ્યક્તિ મળી આવ્યો હતો. તપાસ કરતા કારમાંથી બે ગ્લોક પિસ્તોલ,એક બેરેટા પિસ્તોલ અને 30 કારતુસ મળી આવ્યા હતા. આ ઉપરાંત, ચાર લીટર જેટલું કેસ્ટર ઓઇલ પણ મળી આવ્યું હતું.

અહેમદ સૈયદ પાસેથી મળી આવેલા હથિયાર અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેને કલોલ પાસેની એક અવાવરૂ જગ્યા પરથી લીધો હતો. જે અન્ય બે આતંકીઓ મુકીને ગયા હતા. જેથી પોલીસે અહેમદ સૈયદ પાસેથી મળી આવેલા મોબાઇલ નંબર અને અન્ય માહિતાના આધારે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા બનાસકાંઠાના વડગામ પાસેથી આઝાદ શેખ અને મોહમ્મદ સુલેહખાન સલીમ ખાન નામના આતંકીઓને ઝડપી લીધા હતા.

આ અંગે વધુ માહિતી આપતા ATSના DIG સુનિલ જોષીએ જણાવ્યું કે આઝાદ શેખ અને મોહમ્મદ સલીમ ખાન ઉપરથી મળતી સુચના મુજબ રાજસ્થાનના હનુમાનગઢ પહોંચ્યા હતા જ્યાં એક અવાવરૂ જગ્યા પરથી હથિયાર લઇને કલોલ સુધી મુકવા માટે ગયા હતા. તેમની પાસેથી મળી આવેલા હથિયાર પાકિસ્તાન દ્વારા બોર્ડર પરથી ડ્રોનની મદદથી મોકલાયાની શક્યતા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button