National

પાકિસ્તાનથી ઊડીને આવ્યા ફુગ્ગા સાથેના બેનર:અમૃતસર એરપોર્ટ પર હાઈ એલર્ટ, રનવે પર ડ્રોન દેખાયું

અમૃતસરમાં પોલીસે હાઈએલર્ટ આપ્યું છે. કારણ કે ત્યાં બે અલગ અલગ ઘટના બની છે. 5 ફેબ્રુઆરીની રાત્રે 8.40 વાગ્યે અમૃતસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન જોવા મળ્યું હતું. જેના પછી એરપોર્ટને એક કલાક માટે બંધ કરીને સંપૂર્ણપણે સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમૃતસર પાસેના જંડિયાલા ગુરૂક્ષેત્રમાં પાકિસ્તાનથી ફુગ્ગો ઊડતો ઊડતો આવ્યો હતો, જેમાં ઉર્દૂમાં લખેલા બેનર બાંધ્યા હતા.

અમૃતસર એરપોર્ટ પર ડ્રોન દેખાતાં મલેશિયા એરલાઇનની શારજાહ-અમૃતસર ફ્લાઇટને પણ ઉતરવા દેવામાં આવી નહોતી અને તેને ચંદીગઢ ડાયવર્ટ કરવામાં આવી હતી. જેના પછી જિલ્લા મેજિસ્ટ્રેટે તરત જ જિલ્લામાં ડ્રોન સહિત ઉડતી તમામ વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

તે જ રાત્રે પાકિસ્તાનથી એક ફુગ્ગો ઉડીને અમૃતસરના જંડિયાલા ગૂરૂક્ષેત્ર વિસ્તારના એક મકાનની છત પર પડ્યો હતો, જેમાં ઉર્દૂ લખેલું બેનર બાંધેલું હતું. તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એલર્ટ મોડમાં છે.

આ અંગે સિનિયર અધિકારીઓ પણ તપાસ રિપોર્ટ લઈ રહ્યા છે. આ ઉપરાંત ચંદીગઢમાં પણ પોલીસ હેડક્વાર્ટરને જાણ કરવામાં આવી છે. જોકે, પોલીસ અધિકારીઓએ આ અંગે મૌન સેવ્યું છે.

માહિતી મુજબ રાત્રે એરપોર્ટના ડાયરેક્ટર અને CISFના સુરક્ષા દળને જાણ કરવામાં આવી કે એરપોર્ટ નજીક ડ્રોન જોવા મળ્યું છે. કારણ કે અમૃતસર પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલું છે, આ કારણે તેને લઈને હડકંપ મચી ગયો. જોકે, એ સ્પષ્ટ થયું નથી કે આ ડ્રોન પાકિસ્તાનથી આવ્યું હતું કે કોઈએ પોતાના કાર્યક્રમ માટે સ્થાનિક રીતે ઉડાડ્યું હતું.

પોલીસ સૂત્રો અનુસાર, ડ્રોનની હિલચાલ રનવેની આસપાસ જ જોવા મળી હતી. આ કારણે તરત જ એરપોર્ટનું સંપૂર્ણ સંચાલન એક કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું. ચંદીગઢ ઉપરાંત એક ફ્લાઇટને દિલ્હી પણ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ પછી પોલીસને બોલાવવામાં આવી. તપાસ એજન્સીઓ સાથે સમગ્ર એરપોર્ટની તપાસ કરવામાં આવી. સુરક્ષા એજન્સીઓ પાસેથી ક્લિયરન્સ મળ્યા બાદ એરપોર્ટની ગતિવિધિઓ સામાન્ય થઈ.

અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર ભૂપેન્દ્ર સિંહે પુષ્ટિ કરતા જણાવ્યું કે, બુધવારે રાત્રે હવાઈ ક્ષેત્રમાં ડ્રોન જોવા મળ્યા બાદ લગભગ એક કલાક સુધી ફ્લાઇટ ઓપરેશન અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા હતા. રાત્રે 9 વાગ્યેને 41 મિનિટે એરપોર્ટનું ઓપરેશન ફરી શરૂ કરવામાં આવ્યું હતું. શારજાહની ફ્લાઇટને ચંદીગઢ અને કુઆલાલંપુરની ફ્લાઇટને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button