બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક


બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય બાદ નવી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રવિવાર (16 નવેમ્બર) ના રોજ બેઠકો ચાલુ રહી હતી. ચૂંટણી પંચે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને તમામ 243 ધારાસભ્યોની યાદી સુપરત કરી હતી. મુખ્યમંત્રી નીતિશ કુમારે હવે સોમવારે (17 નવેમ્બર) કેબિનેટ બેઠક બોલાવી છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે સવારે 11:30 વાગ્યે કેબિનેટ બેઠક બોલાવી છે, જ્યાં કેબિનેટ ભંગ કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવશે. કેબિનેટ બેઠક પછી તરત જ નીતિશ કુમાર રાજભવન જશે અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કરશે. ત્યારબાદ નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થશે.
બિહાર સરકારના કેબિનેટ સચિવાલય વિભાગ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. નીતિશ સરકારના વિશેષ સચિવ અરવિંદ કુમાર વર્મા દ્ધારા જાહેર કરાયેલા પત્રમાં જણાવાયું છે કે નિર્દેશ મુજબ, મંત્રી પરિષદ 17 નવેમ્બર, સોમવાર, 11:30 વાગ્યે પટનાના મુખ્ય સચિવાલય ખાતેના મંત્રીપરિષદમાં મળશે.
પત્રમાં જણાવાયું છે કે બિહારના માહિતી અને જનસંપર્ક વિભાગના નિયામકને વિનંતી છે કે તેઓ કેબિનેટ બેઠક પછી માહિતી ભવનના ઓડિટોરિયમ ઉપલબ્ધ કરાવીને પ્રેસ કોન્ફરન્સ માટે યોગ્ય વ્યવસ્થા કરે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 19 અથવા 20 નવેમ્બરના રોજ થઈ શકે છે. આ સમારોહ ગાંધી મેદાનમાં યોજાશે, જ્યાં પીએમ મોદી અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.




