હોમગાર્ડ જવાનોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, રાજ્યના હજારો હોમગાર્ડ જવાન માટે સરકારની મહત્ત્વની જાહેરાત


ગુજરાત સરકાર દ્વારા હોમગાર્ડ્ઝ દળના જવાનો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, હોમગાર્ડ્ઝ સભ્યોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. પૂર્વે ૫૫ વર્ષની નિવૃત્તિ વયમર્યાદા હવે 58 વર્ષ કરી દેવાઈ છે.
આ સુધારો મુંબઇ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953ના નિયમ-9માં કરવામાં આવ્યો છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્યમાં હોમગાર્ડ્ઝ દળ પોલીસના પૂરક બળ તરીકે ઉત્તમ કામગીરી કરી રહ્યું છે. હોમગાર્ડ્ઝના જવાનો માનદ સેવા આપી ન માત્ર રાત્રિ પેટ્રોલિંગ, ટ્રાફિક નિયંત્રણ અને ચૂંટણી બંદોબસ્તમાં મદદરૂપ થાય છે, પરંતુ ધાર્મિક/મેળા બંદોબસ્ત, વી.આઈ.પી. સુરક્ષા સહિતની દૈનિક ફરજાઓ પણ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. હોમગાર્ડ્ઝ દળની સ્થાપના 6 ડિસેમ્બર 1947ના રોજ કરવામાં આવી હતી, અને તેનો મુખ્ય હેતુ પોલીસને પૂરક બળ પૂરૂં પાડવું, કાયદો અને વ્યવસ્થા જાળવવી અને કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયસર મેનેજ કરવી છે.
નવા નિર્ણયથી હોમગાર્ડ્ઝ સભ્યોમાં રાષ્ટ્રસેવા માટેનો ઉત્સાહ વધશે અને તેઓ વધુ ત્રણ વર્ષ સુધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી શકશે. ઉલ્લેખનીય છે કે, હોમગાર્ડ્ઝના સભ્યો માનદ હોઈને કૌટુંબિક જવાબદારીઓ પણ નિભાવતા હોય છે. નિવૃત્તિ વયમર્યાદામાં વધારો તેમના માટે કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓ સાથે સરખા સમયમાં રાષ્ટ્રસેવામાં યોગદાન આપવા વધુ અનુકૂળ બની રહેશે.
સ્થાનિક સ્તરે હોમગાર્ડ્ઝ જવાનો લોકોને નજીકથી ઓળખતા હોવાને કારણે, તેઓ પોલીસને કાયદા અને વ્યવસ્થાની કામગીરીમાં વધુ અસરકારક રીતે મદદ કરી શકે છે. આ નિર્ણયથી રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો થશે અને હોમગાર્ડ્ઝ દળના જવાનો રાષ્ટ્ર અને સમાજની સેવા માટે વધુ સમય સુધી સમર્પિત રહે શકશે.




