GUJARAT

સ્કૂલો ખુલતા પહેલાં શું વાલીઓને લાગશે મોંઘવારીનો ઝટકો કે રાહત? ગુજરાત સરકારનો મોટો નિર્ણય

યુદ્ધની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી છે. ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તબક્કાવાર મોટો વધારો થયો છે. પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટે વપરાતો મુખ્ય કાચો માલ એટલે કે પેપર વિદેશથી આયાત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રો-મટિરિયલના ભાવમાં મોટો ઉછાળો આવવાને કારણે તેમજ ઈંધણ મોંઘું થતાં લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ખાસ્સો વધી ગયો છે. 

આ સિવાય બહારથી મંગાવવામાં આવતા કાચા માલ અને ઈંધણના મોંઘા દરને કારણે લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ખાસ્સો વધી ગયો છે, જેની સીધી અસર પાઠ્યપુસ્તકોના ઉત્પાદન ખર્ચ પર પડી છે. જો કે, આ કપરી પરિસ્થિતિમાં પણ મોંઘવારીનો આર્થિક બોજ વાલીઓ પર ન પડે તે હેતુસર ગુજરાત સરકારે સરકારી પાઠય પુસ્તકોમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો નહીં કરવાનો પ્રશંસનીય નિર્ણય કર્યો હોવાનું પાઠય પુસ્તક બોર્ડના ચેરમેન મનુભાઈ પાવરાએ સત્તાવાર રીતે જણાવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બોર્ડના તમામ પુસ્તકો વાલીઓ અને વિદ્યાર્થીઓને જૂના ભાવથી જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જો કે, તેમણે વર્તમાન સ્થિતિ અંગે એક મહત્વની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય લોજિસ્ટિક્સની સમસ્યાઓના કારણે પુસ્તકો વહેલી તકે વિદ્યાર્થીઓને મળી રહે તેવી બોર્ડ તરફથી ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે અને તેની તડામાર કામગીરી ચાલી રહી છે. તેમ છતાં, વિતરણ પ્રક્રિયામાં થોડો વિલંબ થવાની શક્યતા નકારી શકાય નહીં. પરંતુ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે વાલીઓને ઓનલાઇન દરેક પુસ્તકો ડિજિટલ ફોર્મેટમાં જોવા મળી રહેશે.

બીજી તરફ, બજારની વાસ્તવિકતા પર નજર કરીએ તો આ તમામ પરિબળો સંયુક્ત રીતે ભેગા મળવાને કારણે ખાનગી પ્રકાશનો (Private Publications) દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ વિષયોની ગાઈડ અને રેફરન્સ બુક્સના ભાવમાં સીધો 20% થી 25% ટકાનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જે સામાન્ય વાલીઓનું બજેટ ખોરવી નાખશે. આ સાથે જ સરકારી અને ખાનગી શાળાઓમાં ચાલતા NCERT તેમજ અન્ય બોર્ડના સત્તાવાર પાઠ્યપુસ્તકોની કિંમતોમાં પણ આ વર્ષે અંદાજે 10% જેટલો ભાવવધારો અમલી કરી દેવામાં આવ્યો છે. માત્ર વાંચવાના પુસ્તકો જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ માટે રોજેરોજ જરૂરી એવી નોટબુક્સ, ફૂલસ્કેપ બુક્સ અને અન્ય સ્ટેશનરીની વસ્તુઓમાં પણ ૧૫% થી ૨૦% ટકાનો મોટો ભાવવધારો જોવા મળી રહ્યો છે. તેવામાં ગુજરાત સરકારનો આ નિર્ણય ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ માટે સંજીવની સમાન સાબિત થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button