અમદાવાદમાં 13 સ્કૂલોને લાગ્યાં તાળા, BU પરમિશન વગર ચાલતી હોવાથી લેવાયું એકશન


અમદાવાદ શહેરમાં ગેરકાયદે રીતે ચાલી રહેલી પ્રાથમિક અને પ્રી-સ્કૂલો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એક વખત કડક કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ–પશ્ચિમ ઝોનમાં BU એટલે કે બિલ્ડિંગ યુઝ પરમિશન વગર ચાલી રહેલી શાળાઓ પર તાકીદે કાર્યવાહી હાથ ધરાઈ હતી. શહેરી વિકાસના નિયમો અનુસાર કોઈપણ શૈક્ષણિક સંસ્થા ચલાવવા BU પરમિશન ફરજિયાત છે, છતાં ઘણાં એકમો વર્ષો સુધી નિયમોની અવગણના કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
મંગળવારે AMCના દક્ષિણ–પશ્ચિમ ઝોનની ટાઉન પ્લાનિંગ ટીમે તપાસ અભિયાન ચલાવ્યું અને તપાસ દરમિયાન BU વગર ચાલી રહેલી 13 પ્રાથમિક અને પ્રિ-સ્કૂલો મળી આવી હતી. આ તમામ સ્કૂલોને સ્થળ પર જ સીલ કરવામાં આવી, જેથી બાળકોની સુરક્ષા, ફાયર સેફ્ટી અને બિલ્ડિંગની મજબૂતી જેવા મુદ્દાઓની ખાતરી થઈ શકે.
તપાસમાં સામે આવ્યું કે બોપલ વિસ્તારમાં આવેલી Kidzee Pre-School, Ancient Sprout Euro Kids, KunKids School સહિતની અનેક સ્કૂલો જરૂરી કાનૂની મંજૂરી લીધા વિના વર્ષોથી સંચાલિત હતી. આ સ્કૂલોનો રોજનો ધમધમતો ક્લાસરૂમ, બાળકોની અવરજવર અને અનેક પ્રવૃત્તિઓ છતાં તેમની પાસે સંસ્થાની સુરક્ષા માટે જરૂરી BU પરમિશન નહોતી. શહેરના નિયમો મુજબ BU વગર કોઈપણ બિલ્ડિંગમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવવી જોખમસભર ગણાય છે.
સ્કૂલો સીલ કર્યા બાદ ઝોનલ અધિકારીઓએ માતા–પિતાને જાણ કરી અને તેમને ખાતરી આપી કે બાળકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે. જે સ્કૂલો નિયમ મુજબ જરૂરી મંજૂરી મેળવી લેશે, તેઓને ફરીથી પ્રવૃત્તિ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.
AMCએ પણ સ્પષ્ટ કર્યું કે આગામી દિવસોમાં અન્ય ઝોનમાં પણ આવું જ અભિયાન ચાલુ રહેશે અને જ્યાં જ્યાં BU વગર શૈક્ષણિક સંસ્થા ચાલતી હશે ત્યાં તાત્કાલિક પગલાં લેવાશે.
બાળકોના ભવિષ્ય અને સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનો જોખમ ન રહે તે માટે AMCએ કડક વલણ અપનાવ્યું છે. આ અભિયાનને કારણે શહેરની ઘણી અન્ય સ્કૂલોને પણ હવે નિયમ મુજબ BU પરમિશન મેળવવા માટે દોડધામ શરૂ કરી છે.




