GUJARAT

 સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયંકર આગ, 20થી વધુ દુકાનો બળીને ખાક

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે સવારે ભીષણ આગ લાગી છે. સવારે લગભગ 8 વાગ્યે લાગેલી આ આગને કારણે બજારના 3, 5 અને 9મા માળ પર ભારે નુકસાન નોંધાયું છે. શરૂઆતના અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગેલી હોવાનું મનાય છે.

આગ લાગ્યા બાદ માર્કેટમાંથી ધુમાડાના ગોટા આકાશમાં દેખાતા હતા. ત્યારબાદ ડ્રોન દ્વારા લેવામાં આવેલા આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં આગની ભયાનકતા સ્પષ્ટ જોવા મળી રહી છે. ડ્રોન વિડિઓમાં મોટા ભાગના વિભાગમાંથી ધુમાડો અને જ્વાળાઓ નીકળતી દેખાઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે, આગે 20 જેટલી દુકાનોને પોતાની ઝપેટમાં લીધી છે. જેના કારણે લાખોની કિંમતનું નુકસાન થવાનું અનુમાન છે.

સુરત મ્યુનિસિપલ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસે તાત્કાલિક ઓપરેશન શરૂ કર્યું હતું. લગભગ 22થી વધુ ફાયર ફાયટરની ગાડીઓ અને અંદાજે 150 જેટલા ફાયર બ્રિગેડના જવાનો આગ કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે તહેનાત કરાયા છે. પ્રાથમિક તપાસ મુજબ લિફ્ટ વિસ્તારમાં પહેલા આગ લાગી હતી, જે બાદ તે ઉપરના માળે ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગના જવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button