નવી SIR-2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર: ગુજરાતમાં 4,34,70,109 મતદારો નોંધાયા, 73 લાખ કપાયા


ગુજરાતમાં SIR ની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર થઈ છે. જેમાં ગુજરાતમાં કુલ કેટલા મતદારો છે, કેટલા મતદારોના નામ કપાયા છે, તેમજ કેટલા ડુપ્લીકેટ મતદારો હતા તે તમામ માહિતી સામે આવી ગઈ છે. યાદી મુજબ ગુજરાતાં કુલ 4 કરોડ 34 લાખ મતદારોની નોંધણી થઈ છે.
ગુજરાતની મતદાર શુદ્ધિકરણ ડ્રાફ્ટ યાદી આખરે જાહેર થઈ ગઈ છે. ડ્રાફ્ટ મતદાર યાદી મુજબ ગુજરાતમાં 4,34,70,109 મતદારો નોંધાયા છે. મતદાર શુદ્ધિકરણ પ્રક્રિયા દરમિયાન 73,73,327 મતદાર નીકળી ગયા છે. તો 18,07,278 મૃત્યુ પામેલા મતદારો યાદીમાંથી દૂર થયા છે. આ ઉપરાંત 40,25,553 મતદારો કાયમી સ્થળાંતર કરેલા નીકળ્યા છે. 3,81,470 મતદારો ડુપ્લીકેટ હતા, જેને દૂર કરાયા છે. 9,69,662 મતદારો તેમના સરનામે મળી આવ્યા નથી. તો 1,89,364 મતદારોનો અન્ય કારણોસર યાદીમાં સમાવેશ થયો નથી.
- 4,34,70,109 મતદારો નોંધાયા.
- 2,24,49,170 પુરુષ મતદાર નોંધાયા.
- 2,10,19,876 મહિલા મતદારો નોંધાયા.
- 1063 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા.
ઉલ્લેખનીય છે કે, અગાઉ મતદાર યાદીમાં 5,08,43,219 મતદારો નોંધાયા હતા. જેમાં ગુજરાત રાજ્યમાં 73,73,110 મતદારો ઓછા થયા છે. આ આંકડો ગુજરાતના એક મેગા સિટીની વસ્તી જેટલો છે.
ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારૂ નામ છે કે નહીં તે ચેક કરી શકો છો. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે.




