ધો. 10ના વિદ્યાર્થીએ શાળા બહાર અન્ય વિદ્યાર્થીને ઝીંક્યા છરીના ઘા, દોડતી થઇ અમદાવાદ પોલીસ


અમદાવાદની ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ધ નેશનલ સ્કૂલમાં સેવેન્થ-ડે સ્કૂલ જેવી ઘટના બની છે જેમાં ધોરણ 10 ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર સ્કૂલની બહાર ચાકુ વડે હુમલો કરીને ઘા માર્યા છે. અગાઉની અદાવતમાં વિદ્યાર્થીએ ચાકુના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હાલ તપાસમાં લાગી છે અને ફરિયાદ નોંધી છે. મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. અને તે વાત યાદ રાખીને આજે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જો કે આ વિદ્યાર્થીને ઘા વાગતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો.
DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે તેમણે આ મામલે શાળાના સંચાલક સાથે ટેલિફોનિક વાતચીત કરીને યોગ્ય દિશામાં પગલાં લેવા જણાવ્યું છે. અને તેમને મળતી પ્રાથમિક માહિતી મુજબ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને બહાર નીકળ્યા પછી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો ધોરણ 10 ના વિદ્યાર્થી પર થયો છે પણ હુમલો કરનાર કોઈ બહારનું હતું તેઓ શાળાના વિદ્યાર્થી નહોતા. જએ અંગે નજીકના પોલિસ સ્ટેશનમાં સત્વરે જાણ કરી છે અને પોલીસે પણ આ અંગે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીને માથાના અને ગાળાના ભાગે ઇજા થઈ છે અને સારવાર કરાવીને તેને રજા આપી દેવાઈ છે. આ કોઈ અંગત અદાવતમાં કર્યું હોઈ શકે છે. આ બાબતે સ્કૂલ સંચાલક પાસેથી વધુ વિગતો મંગાવીને આગળની તપાસ હાથ ધરાઇ છે.



