Top In Ahmedabad

AMCના ઇતિહાસમાં રોડના વિકાસનો રેકોર્ડ, ‘કોમન વેલ્થ ગેમ્સ 2030’ તરફ રોડના વિકાસની પહેલ કરતું AMCનું પ્રગતિશીલ પગલું

કોમન વેલ્થ ગેમ્સ 2030ના સંદર્ભમાં અમદાવાદ શહેરને વૈશ્વિક સ્તરની અર્બન મોબિલિટી,સુવ્યવસ્થિત ટ્રાફિક મેનેજમેન્ટ અને ઝડપી આવાગમન માટે તૈયાર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માર્ગ માળખાના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. AMCના ઝોન અને રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરના સાતેય ઝોનમાં રોડ વિકાસની કામગીરીમાં દર વર્ષે નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેના પરિણામે માર્ગ માળખાના ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.

ચાલુ નાણાંકીય વર્ષ 2025–26 દરમિયાન 1 એપ્રિલ 2025થી 26 જાન્યુઆરી 2026 સુધીમાં તમામ 7 ઝોન અને રોડ પ્રોજેક્ટ વિસ્તારમાં કુલ 8.45 લાખ મેટ્રિક ટન રોડ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે,જે AMCના ઇતિહાસમાં અત્યારસુધીની સૌથી વધુ છે. આ વ્યાપક કામગીરીથી શહેરમાં મુખ્ય માર્ગો, કનેક્ટિંગ રોડ્સ અને આંતરિક માર્ગો વધુ મજબૂત અને સુવ્યવસ્થિત બન્યા છે, જેના કારણે વાહન વ્યવહારની સરળતા અને ગતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.

આંકડાઓ મુજબ, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સરેરાશ 7 લાખ મેટ્રિક ટન રોડ કામગીરી થતી હતી, જ્યારે ચાલુ નાણાંકીય વર્ષમાં આ આંકડો નોંધપાત્ર રીતે વધ્યો છે. હાલ પણ વિવિધ ઝોનમાં રોડ વિકાસની કામગીરી પ્રગતિ પર છે અને ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધીમાં કુલ રોડ કામગીરી અંદાજીત 9.50 લાખ મેટ્રિક ટન સુધી પહોંચવાની સંભાવના છે. આ આંકડા દર્શાવે છે કે AMC દ્વારા શહેરના માર્ગ માળખાને લાંબા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજનબદ્ધ રીતે વિકસાવવામાં આવી રહ્યું છે.

AMCના ઇતિહાસમાં પ્રથમવાર એક જ નાણાંકીય વર્ષમાં સાતેય ઝોનમાં આટલા મોટાપાયે રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે. 1 એપ્રિલ 2025થી 26 જાન્યુઆરી 2026 દરમિયાન મધ્ય ઝોનમાં 30 હજાર મેટ્રિક ટન, પૂર્વ ઝોનમાં 1 લાખ મેટ્રિક ટન, ઉત્તર ઝોનમાં 74 હજાર મેટ્રિક ટન, દક્ષિણ ઝોનમાં 86 હજાર મેટ્રિક ટન, પશ્ચિમ ઝોનમાં 78 હજાર મેટ્રિક ટન, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 44 હજાર મેટ્રિક ટન અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 1.35 લાખ મેટ્રિક ટન રોડ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત, રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અલગથી 2.51 લાખ મેટ્રિક ટન રોડ કામગીરી કરવામાં આવી છે. આમ, કુલ મળીને 8.45 લાખ મેટ્રિક ટન રોડ વિકાસ નોંધાયો છે.

છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ દર્શાવે છે કે AMC દ્વારા માર્ગ વિકાસમાં સતત વૃદ્ધિ કરવામાં આવી છે. નાણાંકીય વર્ષ 2021–22 દરમિયાન 5.51 લાખ મેટ્રિક ટન, વર્ષ 2022–23 દરમિયાન 7.45 લાખ મેટ્રિક ટન, વર્ષ 2023–24 દરમિયાન 7.77 લાખ મેટ્રિક ટન અને વર્ષ 2024–25 દરમિયાન 7.60 લાખ મેટ્રિક ટન રોડ કામગીરી કરવામાં આવી હતી.

આવનારા વર્ષોમાં કોમન વેલ્થ ગેમ્સ 2030 જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો દરમિયાન શહેરમાં મહેમાનો, ખેલાડીઓ અને લોજિસ્ટિક્સ વાહનોનું સંચાલન સરળ અને સમયબદ્ધ રહે તે માટે મજબૂત રોડ નેટવર્ક અતિઆવશ્યક હોય છે. AMC દ્વારા હાથ ધરવામાં આવેલી આ વ્યાપક રોડ વિકાસ કામગીરી અમદાવાદને વૈશ્વિક સ્તરની આવાગમન ક્ષમતા ધરાવતું શહેર બનાવવામાં મદદરૂપ બનશે.

આ રીતે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ પ્રગતિશીલ પગલું દૈનિક નાગરિક સુવિધાઓ સાથે સાથે શહેરને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ તૈયાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button