પુરા રાજકીય સન્માન સાથે અજિત પવારના અંતિમ સંસ્કાર કરાયા, પુત્રે આપી મુખાગ્નિ, બારામતીમાં જનમેદની ઉમટી


મહારાષ્ટ્રના બારામતીમાં બુધવારે, 28 જાન્યુઆરીના રોજ વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું અચાનક અવસાન થયું. ત્યારે આજે અજિત પવારના રાજકીય ગઢ બારામતીમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એનસીપી નેતા અજિત પવાર પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. તેમના પુત્રો પાર્થ પવાર અને જયે અંતિમ સંસ્કાર કર્યા.
અંતિમ સંસ્કાર પહેલા અજિત પવારને ‘ગન સેલ્યુટ’ આપવામાં આવ્યું. પરિવારના સભ્યોએ અજિત પવારને અંતિમ વિદાય આપી, સુપ્રિયા સુલે અને તેમની પત્ની સુનેત્રા પવાર પણ એકસાથે ઉભા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અજિત પવારને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંતિમ સંસ્કારમાં NCP-SPના વડા શરદ પવાર, NCPના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલ, રાજ્ય NCP પ્રમુખ સુનીલ તટકરે અને રાજ્ય મંત્રી હસન મુશ્રીફ સામેલ થયા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મંત્રી પંકજા મુંડે અને રાધાકૃષ્ણ વિખે પણ પહોંચ્યા.મનસેના વડા રાજ ઠાકરે પણ અજિત પવારના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા. તેમના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ નીતિન નવીન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ થયા.
અજિત પવારની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા, સ્મશાન ઘાટ ખીચોખીચ ભરાઈ ગયો. હજારો લોકો તેમની એક ઝલક જોવા માટે સ્મશાન ઘાટ પર પહોંચ્યા. કાટેવાડીથી વિદ્યા પ્રતિષ્ઠાન સુધી અજિત પવારના હજારો સમર્થકો એકઠા થયા હતા. આ દરમિયાન તેમના કેટલાક મુસ્લિમ સમર્થકો પણ પહોંચ્યા હતા. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં રાખવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે.
મહારાષ્ટ્રના બારામતીમાં 28 જાન્યુઆરી બુધવારે બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું અવસાન થઈ ગયું. લેન્ડિંગ કરવાના પ્રયાસ દરમિયાન વિમાન ક્રેશ થઈ ગયું અને વિમાનમાં સવાર અજિત પવાર સહિત પાઇલટ કેપ્ટન સુમિત કપૂર, કો-પાઇલટ શાંભવી પાઠક, ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલી અને પર્સનલ સિક્યોરીટી ઓફિસર વિદીપ જાધવનું મોત થઈ ગયું. આ ઘટનાએ દેશભરમાં શોકની લહેર ફેલાવી દીધી છે અને રાજ્યની રાજનીતિમાં એક ખાલીપો આવી ગયો.




