મોદી સરકાર નવા 114 રાફેલ જેટ ખરીદશે, DAC આપી સૌથી મોટી ડિફેન્સ ડીલને મંજૂરી


ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થવાનો છે. જેના માટે મોદી સરકારે ફ્રાન્સ પાસેથી નવા રાફેલ જેટ ખરીદવાની મંજૂરી આપી છે. ગયા વર્ષે ઓપરેશન સિંદૂર દરમિયાન સમગ્ર વિશ્વએ રાફેલની તાકાત જોઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાન પર હવાઈ પ્રભુત્વ કેવી રીતે જાળવી રાખ્યું તે દર્શાવવામાં આવ્યું હતું. આંખના પલકારામાં પાકિસ્તાનના નૂર ખાન સહિત અનેક એરબેઝને ખતમ કરી દીધા. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવા રાફેલ જેટની ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી.
ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ વિમાન ખરીદ્યા હતા જેની ડિલિવરી ડિસેમ્બર 2024માં પૂરી થઈ ગઈ હતી. આ ફાઇટર જેટ બે IAF સ્ક્વોડ્રનો અંબાલામાં “ગોલ્ડન એરો” અને હાશિમારામાં “ફાલ્કન્સ” માં છે. રાફેલમાં ઘાતક શસ્ત્ર પ્રણાલી છે. તે Meteor મિસાઇલથી સજ્જ છે, જે વિશ્વની સૌથી અદ્યતન હવાથી હવામાં પ્રહાર કરી શકે તેવી મિસાઈલોમાની એક છે. તેની રેન્જ 100 કિલોમીટરથી વધુની છે.
ભારતની રક્ષણાત્મક શક્તિને નવી ઊંચાઈએ લઈ જવા માટે સંરક્ષણ મંત્રાલયે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) ની બેઠકમાં ભારતીય વાયુસેના (IAF) માટે વધારાના 114 રાફેલ ફાઇટર જેટની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ સોદો અંદાજે ₹3.25 લાખ કરોડનો હોવાનું મનાય છે.
કેમ લેવાયો આ નિર્ણય?
ભારતીય વાયુસેનાને હાલમાં 42 સ્ક્વોડ્રનની જરૂરિયાત સામે માત્ર 29 સ્ક્વોડ્રન જ કાર્યરત છે. જૂના થઈ રહેલા મિગ-21 (MiG-21) વિમાનોને સેવામાંથી હટાવ્યા બાદ સર્જાયેલી અછતને પૂરવા માટે આધુનિક ફાઇટર જેટ્સની તાતી જરૂરિયાત હતી.
– વર્તમાન સ્થિતિ: ભારત પાસે અત્યારે 36 રાફેલ જેટ્સ છે, જે અંબાલા અને હાશીમારા એરબેઝ પર તૈનાત છે.
– ચીન-પાકિસ્તાન પડકાર: લદ્દાખ સ્ટેન્ડઓફ અને સરહદી સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાયુસેનાને વધુ આધુનિક હથિયારોથી સજ્જ કરવું અનિવાર્ય બન્યું છે.
‘મેક ઇન ઇન્ડિયા’ અને ટેકનોલોજી ટ્રાન્સફર
આ સોદાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ પૂર્ણ થશે. ફ્રાન્સની દસોલ્ટ એવિએશન (Dassault Aviation) કંપની ભારતની સ્થાનિક પાર્ટનર કંપની સાથે મળીને ભારતમાં જ આ જેટ્સનું ઉત્પાદન કરશે. આ પ્રોજેક્ટથી ભારતમાં હજારો નવી નોકરીઓનું સર્જન થશે અને અત્યાધુનિક સંરક્ષણ ટેકનોલોજી ભારતને મળશે. શરૂઆતના 18 જેટ્સ ‘રેડી-ટુ-ફ્લાય’ સ્થિતિમાં આવશે, જ્યારે બાકીના ભારતમાં બનાવવામાં આવશે.
શું છે DAC અને આગળની પ્રક્રિયા?
– DAC (ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ) એ સંરક્ષણ ખરીદી માટેની ભારતની સર્વોચ્ચ સમિતિ છે.
– આગામી પગલું: DAC ની મંજૂરી બાદ હવે આ પ્રસ્તાવ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) પાસે જશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અંતિમ મહોર મારવામાં આવશે.
– રાજદ્વારી મહત્વ: આ નિર્ણય ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની આગામી (15-17 ફેબ્રુઆરી) ભારત મુલાકાત પહેલા લેવામાં આવ્યો છે, જે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો દર્શાવે છે.
રાફેલની ખાસિયતો
– રાફેલ એ મલ્ટી-રોલ ફાઇટર જેટ છે જે એકસાથે અનેક કામગીરી કરી શકે છે
– તે પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે.
– મેટિયોર (Meteor) અને સ્કલ્પ (SCALP) જેવી લાંબા અંતરની મિસાઇલોથી સજ્જ છે, જે દુશ્મનને દેખાયા વગર જ હવામાં તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.
– હવામાંથી હવામાં અને હવામાંથી જમીન પર હુમલો કરવામાં સર્વોપરી છે.
આ સોદો ભારતને વૈશ્વિક સ્તરે વાયુસેનાની તાકાતમાં અગ્રેસર બનાવશે. જોકે, સ્વદેશી ‘તેજસ MK-2’ અને વિદેશી ‘રાફેલ’ વચ્ચે બજેટનું સંતુલન જાળવવું એ સરકાર માટે આગામી પડકાર રહેશે.



