વડોદરાની બેંકના લોકરમાંથી 45 તોલા સોનું ગાયબ થતાં હડકંપ, ગ્રાહકો તાબડતોબ બેંકમાં દોડ્યા


બેંકમાં તમારા દાગીના સુરક્ષિત નથી! વડોદરામાં બેંક લોકરમાંથી સોનાના દાગીના ગાયબ થવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાઘોડિયા રોડ આવેલી કોસ્મોસ કો-ઓપરેટિવ બેંકના લોકરમાંથી એક ગ્રાહકના 45 તોલા સોનાના દાગીના ગાયબ થયા હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ ઘટનાએ બેંકની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ગ્રાહક જ્યારે પોતાનું બેંક લૉકર એક્સેસ કરવા ગયો ત્યારે જાણવા મળ્યું કે લોકરની એલ્યુમિનિયમની પેટીનું તાળું ગાયબ છે. જ્યારે પેટી ખોલી તો તેમાં રાખેલા તમામ સોનાના દાગીના ચોરાઈ ગયા હોવાનું સામે આવ્યું. તાળું તૂટ્યા વગર બેંકના લોકરમાંથી આ રીતે દાગીના ચોરાઈ જવા એ ખૂબ જ ચોંકાવનારી બાબત છે.
ગ્રાહકે બેંક મેનેજરને આ અંગે જાણ કરી, પરંતુ મેનેજર પાસે આનો કોઈ જવાબ નહોતો. ગ્રાહકે બેન્ક મેનેજર પર મામલો “અંદરો અંદર ઉકેલવા”નું સૂચન કરવાનો આક્ષેપ લગાવ્યો છે. આ અંગે કોઈ સંતોષકારક જવાબ ન મળતાં ગ્રાહકે પોલીસનો સંપર્ક કરી રજૂઆત કરી. તાળું તૂટ્યા વગર લોકરમાંથી દાગીના ગાયબ થવાથી બેંક સુરક્ષા પર સવાલ ઉઠયા છે.આ મામલાની જાણ થતાં જ બેંકમાં લોકર ધરાવતા અન્ય ગ્રાહકો પણ ચિંતાતુર થઈને બેંકમાં દોડી આવ્યા. લોકોએ તાત્કાલિક પોતાના લોકર તપાસવાની માંગ કરી હતી. બેંક મેનેજરે તમામ ગ્રાહકોને રોકાણ આપ્યા અને રોકાણ પ્રમાણે એક પછી એક લોકર જોવા આવવા કહ્યું. બેંકમાં લોકર ધરાવતા અન્ય ગ્રાહકોમાં ભય અને ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું છે. લોકો પોતાના દાગીના સુરક્ષિત છે કે નહીં તે અંગે શંકામાં છે.
આ મામલામાં સૌથી ગંભીર બાબત એ છે કે લોકરનું તાળું તૂટ્યા વગર અંદરથી દાગીના કેવી રીતે ગાયબ થયા? આ સવાલે બેંકની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર મોટા પ્રશ્નો ઊભા કર્યા છે. શું આ કોઈ આંતરિક વ્યક્તિનું કામ છે? શું બેંકની ચાવી કોઈ અનધિકૃત વ્યક્તિ પાસે પહોંચી હતી? આવા ઘણા સવાલો ઊભા થયા છે. આ ઘટના બેંક લોકરમાં દાગીના રાખનારા તમામ લોકો માટે ચેતવણી છે. બેંકમાં દાગીના મૂકતા પહેલાં સંપૂર્ણ ખાતરી કરવી જરૂરી છે કે બેંકની સુરક્ષા વ્યવસ્થા મજબૂત છે.




