World

શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત સ્ફોટક નિવેદન આપીને વૈશ્વિક રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે. ન્યૂ યોર્ક ખાતે મીડિયા સાથેની વાતચીતમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેહરાનમાં થયેલા ભારે વિનાશ અને ઈરાનની પરમાણુ ગતિવિધિઓને રોકવા માટે જરૂર પડશે તો તેઓ અમેરિકી ભૂમિ સૈન્યને ઈરાનની ધરતી પર ઉતારતા અચકાશે નહીં. ઈરાન પર સતત થઈ રહેલા હુમલાઓ વચ્ચે ટ્રમ્પનું આ વલણ આવનારા દિવસોમાં મોટા સૈન્ય સંઘર્ષ અને સંભવિત વિશ્વ યુદ્ધ તરફ ઈશારો કરી રહ્યું છે.

અમેરિકી પ્રમુખે જણાવ્યું હતું કે ઈરાન વિરુદ્ધ ચાલી રહેલું ‘ઓપરેશન એપિક ફ્યુરી’ ધારણા કરતા વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે. ટ્રમ્પના મતે, આ સૈન્ય અભિયાનમાં તેહરાનના 49 જેટલા ઉચ્ચ સ્તરીય અધિકારીઓ અને નેતૃત્વનો સફાયો કરવામાં આવ્યો છે. તેમણે ગર્વ સાથે ઉમેર્યું કે, જે કામ પૂર્ણ કરવામાં સૈન્ય નિષ્ણાતોએ 4 અઠવાડિયાનો સમય ધાર્યો હતો, તે અમેરિકી દળોએ માત્ર 1 દિવસમાં કરી બતાવ્યું છે. અન્ય રાષ્ટ્રપતિઓની સરખામણીએ પોતાની આક્રમક નીતિ સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે, તેઓ ભૂમિ દળો મોકલવાની શક્યતાને ક્યારેય નકારતા નથી.

ટ્રમ્પે ખુલાસો કર્યો હતો કે ઈરાન પર આકરા પ્રહારો કરવાનો નિર્ણય જીનીવા ખાતેની બેઠક બાદ લેવામાં આવ્યો હતો. ગુપ્તચર અહેવાલો મુજબ, ઈરાન છૂપી રીતે પોતાના પરમાણુ પ્રોજેક્ટ્સ પર ફરીથી કામ શરૂ કરી રહ્યું હતું, જે વૈશ્વિક સુરક્ષા માટે મોટો ખતરો છે. અગાઉ ગંભીર ચર્ચાઓ થઈ હોવા છતાં ઈરાન પોતાના વલણ પરથી પાછળ હટી ગયું હતું, જેને કારણે અમેરિકાએ આકરો સૈન્ય વિકલ્પ પસંદ કરવો પડ્યો છે. ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સંઘર્ષ અગાઉના અંદાજો કરતા ઘણો વહેલો સમાપ્ત થઈ જશે.

ઈરાન દ્વારા સંભવિત આતંકવાદી હુમલા કે વળતા પ્રહાર અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે નિર્ભયતાથી જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકા પાસે સચોટ ગુપ્ત માહિતી છે અને તેઓ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયાનો સામનો કરવા સજ્જ છે. રવિવાર, 1 માર્ચના રોજ જ્યાં યુદ્ધ લાંબુ ચાલવાની શક્યતા હતી, ત્યાં સોમવારની સ્થિતિ જોતા ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ઈરાનનું વર્તમાન નેતૃત્વ નબળું પડ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં અમેરિકા સંપૂર્ણ વિજય મેળવી લેશે. આ નિવેદને પશ્ચિમ એશિયામાં ભારે તંગદિલી પેદા કરી દીધી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button