GUJARAT

હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને લગ્ન કરવા હાઈકોર્ટે આપી મંજૂરી, સ્પે. મેરેજ એક્ટ હેઠળ આપ્યો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે સ્પે. મેરેજ એક્ટ હેઠળ એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હેબિયસ કોર્પસ અરજી પર  હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને લગ્ન કરવા હાઈકોર્ટે મંજૂરી આપી છે. આ સાથે યુગલ ભવિષ્યમાં અલગ થાય તો યુવતીની સુરક્ષા માટે 3 લાખ જમા કરાવવા પણ કોર્ટે હુકમ કર્યો છે. 

મહેસાણા જિલ્લાની હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને સ્પે. મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા હાઈકોર્ટે મંજૂરી આપી છે. હેબિયસ કોર્પસ અરજી પર ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. યુવતીને હાઈકોર્ટમાં રૂબરૂ હાજર રાખી તેણીની ઈચ્છા જાણ્યા બાદ કોર્ટે આ હુકમ કર્યો છે. યુવકે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા તૈયારી દર્શાવી હતી. આ સાથે યુગલ ભવિષ્યમાં અલગ થાય તો યુવતીની સુરક્ષા માટે 3 લાખ જમા કરાવવા પણ કોર્ટે હુકમ કર્યો છે. યુવક – યુવતી સાથે રહેતા હોવાથી પરિવારે અલગ કરાવતા યુવકે યુવતીની કસ્ટડી માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. 

 યુવતીની ઈચ્છા જાણ્યા બાદ કોર્ટનો હુકમ

 મહેસાણા જિલ્લામાં અલગ-અલગ ધર્મના 22 વર્ષીય યુવક અને 21 વર્ષીય યુવતી સાથે રહેતા હતા. તેઓને અલગ કરવામાં આવ્યા હતા અને યુવતીને બનાસકાંઠાના પાલનપુર સ્થિત મહિલા સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. યુવકે આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. યુવકે તેની પાર્ટનરની કસ્ટડી માંગી હતી અને કોર્ટને જણાવ્યું હતું કે તેઓ લગ્ન કરવા ઈચ્છે છે. હાઈકોર્ટે યુવતીની ઈચ્છા જાણવા માટે તેને બોલાવી હતી. હાઈકોર્ટે ભવિષ્યમાં કોઈ કમનસીબ પરિસ્થિતિ ઊભી થાય તો યુવતીની આર્થિક સુરક્ષા જોખમમાં હોવાની ચિંતા વ્યક્ત કર્યા બાદ યુવકને 3 લાખ રૂપિયા જમા કરાવવાની તૈયારી દર્શાવતું સોગંદનામું ફાઇલ કરવા જણાવ્યું હતું.

 તેણે કહ્યું કે તે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા અને તે માટેની તમામ કાનૂની જરૂરિયાતોનું પાલન કરવા તૈયાર છે. તેણે એવી  પણ બાહેંધરી આપી હતી કે તે તેની ક્ષમતા અને સાધનો મુજબ તેના ભરણપોષણ, રહેઠાણ અને જીવનની તમામ જરૂરિયાતો પૂરી પાડશે. તે યુવતી સાથે ગરિમા અને સન્માન સાથે વર્તશે અને તમામ બાબતોમાં તેની સુખાકારી સુનિશ્ચિત કરશે.

યુવતીની આર્થિક સુરક્ષા માટે 3 લાખ જમા કરાવવા હુકમ

હાઈકોર્ટે યુવકને રાષ્ટ્રીયકૃત બેંકમાં રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ યુવતીનું બેંક ખાતું ન હોવાથી હાઈકોર્ટે રજિસ્ટ્રીને તેના નામે ખાતું ખોલવા અને ફિક્સ્ડ ડિપોઝિટનું વ્યાજ સમયાંતરે તેના ખાતામાં જમા કરવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે સ્પષ્ટ છે કે જો ભવિષ્યમાં આ કપલ અલગ થાય, તો 3 લાખ રૂપિયાની પૂરેપૂરી રકમ તેની આર્થિક સુરક્ષા માટે તેને સોંપી દેવામાં આવશે.

હાઈકોર્ટે વધુમાં યુવકને લગ્નનો ઈરાદો હોવાની નોટિસ આપવા અને 6 અઠવાડિયાના ગાળામાં આખી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે સંબંધિત સરકારી અધિકારીઓને પણ નિર્દેશ આપ્યો હતો કે અરજદાર અને પ્રતિવાદીની લગ્નની અરજી પર પ્રક્રિયા કરે અને ખાતરી કરે કે તમામ જરૂરિયાતો પૂર્ણ થાય અને કાયદા અનુસાર લગ્ન સંપન્ન થાય.

વધુ સુનાવણી આગામી 24 એપ્રિલે  પર મુલતવી રાખી

હાઈકોર્ટે આ મામલે વધુ સુનાવણી 24 એપ્રિલ પર મુલતવી રાખી છે અને યુવતીને અમદાવાદના મહિલા સંરક્ષણ ગૃહમાં રહેવાનું ચાલુ રાખવા નિર્દેશ આપ્યો છે. તેને લગ્નની નોંધણીની વિધિઓ પૂરી કરવા માટે અરજદાર યુવક સાથે જવાની મંજૂરી આપવામાં આવી છે. કોર્ટે સંબંધિત સત્તાધિકારીઓને તેને જન્મનું પ્રમાણપત્ર અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પૂરા પાડવા માટે પણ નિર્દેશ આપ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button