બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ


દેશના 10 રાજ્યોની કુલ 37 રાજ્યસભા બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ખૂબ જ રસપ્રદ અને મોટા રાજકીય ઉલટફેર જોવા મળ્યા છે. સોમવારે યોજાયેલી આ ચૂંટણીમાં મોટાભાગના રાજ્યોમાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ બિહાર, ઓડિશા અને હરિયાણામાં ભારે રસાકસી અને રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. બિહારમાં સત્તાધારી NDA ગઠબંધને પોતાનો દબદબો જાળવી રાખતા તમામ પાંચેય બેઠકો પર કબ્જો જમાવ્યો છે. બીજી તરફ, ઓડિશામાં ક્રોસ વોટિંગનો મોટો ખેલ થયો, જેના લીધે ભાજપે ત્યાં પણ બે બેઠકો જીતી લીધી. જ્યારે હરિયાણામાં ‘મતદાનની ગુપ્તતા’ ભંગ થયાના આરોપો સાથે ભાજપ અને કોંગ્રેસ બંને ચૂંટણી પંચમાં પહોંચતા પાંચ કલાક સુધી મતગણતરી રોકવી પડી હતી.
કુલ 10 રાજ્યોની 37 બેઠકોમાંથી સાત રાજ્યો (આસામ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને તેલંગાણા) માં કુલ 26 ઉમેદવારો કોઈપણ વિરોધ વગર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે બાકીની 11 બેઠકો માટે બિહાર (5), ઓડિશા (4) અને હરિયાણા (2) માં મતદાન યોજવું પડ્યું હતું.
બિહારની ચૂંટણી પર સૌની નજર હતી. અહીં NDA તરફથી ખુદ મુખ્યમંત્રી નીતિશ કુમાર, નીતિન નવીન, ઉપેન્દ્ર કુશવાહા, રામનાથ ઠાકુર અને શિવેશ કુમાર મેદાનમાં હતા. જ્યારે મહાગઠબંધને (RJD, કોંગ્રેસ, ડાબેરી પક્ષો) અમરેન્દ્ર ધારી સિંહને ટિકિટ આપી હતી.
ચૂંટણી પરિણામો મુજબ NDA એ તમામ પાંચ બેઠકો જીતી લીધી છે. નીતિશ કુમાર અને નીતિન નવીનને 44-44 ધારાસભ્યોના મત મળ્યા, જ્યારે ઉપેન્દ્ર કુશવાહા અને રામનાથ ઠાકુરને 42-42 ધારાસભ્યોનું સમર્થન મળ્યું. સૌથી રસપ્રદ મુકાબલો પાંચમી બેઠક માટે હતો. આ બેઠક પર કોંગ્રેસ અને RJD ના કુલ 4 ધારાસભ્યો (મનોહર પ્રસાદ, સુરેન્દ્ર કુશવાહા, મનોજ વિશ્વાસ અને ફૈઝલ રહેમાન) મતદાન કરવા જ ન આવ્યા. તેમના ગેરહાજર રહેવાનો સીધો ફાયદો NDA ના ઉમેદવાર શિવેશ કુમારને થયો અને તેમણે સેકન્ડ-પ્રેફરન્સ (બીજી-પસંદગી) ના મતોના આધારે મહાગઠબંધનના ઉમેદવાર અમરેન્દ્ર ધારી સિંહને હરાવી દીધા. જો આ 4 ધારાસભ્યોએ મતદાન કર્યું હોત, તો મહાગઠબંધન આસાનીથી આ એક બેઠક જીતી શક્યું હોત.
ઓડિશાની ચાર બેઠકો માટે ભારે કાંટાની ટક્કર જોવા મળી. અહીં રાજકીય દાવપેચ અને મોટાપાયે ક્રોસ વોટિંગના કારણે ભાજપને મોટો ફાયદો થયો.
ભાજપના વરિષ્ઠ નેતા મનમોહન સમાલ પોતાની બેઠક જીતી ગયા.
ભાજપના જ બીજા ઉમેદવાર સુજીત કુમાર પણ ફરીથી ચૂંટાઈ આવ્યા.
સૌથી મોટો ખેલ ત્યારે થયો જ્યારે ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર દિલીપ રે પણ જીતી ગયા. BJD ના આશરે 8 ધારાસભ્યો અને કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને તેમને મત આપ્યો હતો.
ચોથી બેઠક પર BJD ના સંરુત મિશ્રાની જીત થઈ.હરિયાણામાં બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા: ભાજપના સંજય ભાટિયા, કોંગ્રેસના કરમવીર સિંહ બૌધ અને ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર સતીશ નંદલ.
અહીં મતગણતરી શરૂ થાય તે પહેલાં જ મોટો વિવાદ ઊભો થયો. ભાજપ અને કોંગ્રેસ બંનેએ એકબીજાના ધારાસભ્યો પર મતદાનની ગુપ્તતા ભંગ કરવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસે ભાજપના મંત્રી અનિલ વિજ સામે વાંધો ઉઠાવ્યો, તો સામે ભાજપે કોંગ્રેસના બે ધારાસભ્યો (પરમવીર સિંહ અને ભરત બેનીવાલ) ના મતો સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ મામલે કમિશનને પત્ર લખ્યો હતો.
આખરે મોડી રાત્રે ચૂંટણી પંચે પોતાનો ચુકાદો આપતા અનિલ વિજ અને ભરત બેનીવાલના મત માન્ય રાખ્યા, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય પરમવીર સિંહનો મત રદ (અમાન્ય) જાહેર કર્યો હતો. આ વિવાદના ઉકેલ પછી જ મોડી રાત્રે હરિયાણાની મતગણતરી શરૂ થઈ શકી હતી.




