GUJARAT

રાજકોટ શહેરમાં વાવાઝોડા સાથે તૂટી પડ્યો ભારે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં જોરદાર પવન સાથે વરસાદ શરુ થયો છે. રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદને પગલે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. ભારે વરસાદને કારણે શહેરમાં વિઝિબિલિટી શૂન્ય થઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. 

રાજકોટ શહેરના કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્ષ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે. રાજકોટમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેર સિવાય ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ક્યાંક કરા સાથે પણ વરસાદ વરસ્યો છે. 

હવામાન વિભાગની વરસાદની આગાહીવચ્ચે આજે  કચ્છમાં ભારે  પવન સાથે  વરસાદ ખાબક્યો છે.  નખત્રાણા, ભુજ, માનકુવા અને માધાપર સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પૂર્વ કચ્છમાં પણ  તેજ પવન ફૂંકાયો હતો. ભચાઉ, રાપર, ગાંધીધામ અને ખેંગારપરમાં પણ વરસાદ વરસ્યો હતો. કચ્છના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. 

બનાસકાંઠામાં વરસ્યો વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં પણ આજે સવારથી ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ધાનેરા સહિત દાંતીવાડા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે.  ધાનેરા બોર્ડર વિસ્તારમાં આવેલ બાપલા, વાછોલ,કુંડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં છે.  ઘઉં, બટાકાં સહિતના પાકોમાં નુકશાનની ભીતિ સેવા રહી છે. કાપણીના સમય વરસાદ આવતા ખેડૂતોમાં મુશ્કેલીમાં મૂકાયા છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button