National

ભગવાન રામને સુર્ય તિલક, PM મોદી પણ બન્યા સાક્ષી, રામનગરીમાં રામનવમીની ઉજવણી

અયોધ્યાની પવિત્ર ભૂમિ પર આવેલ રામ જન્મભૂમિ મંદિરમાં આ વર્ષે રામ નવમીની ઉજવણી અત્યંત ભવ્ય રીતે કરવામાં આવી. ભક્તિ અને શ્રદ્ધાના માહોલ વચ્ચે બપોરે બરાબર 12 વાગ્યે એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે ભગવાન રામના બાલ સ્વરૂપ રામ લલ્લાના કપાળ પર સૂર્યના કિરણોથી તિલક થયું. આ દૃશ્ય લગભગ ચાર મિનિટ સુધી ચાલ્યું અને માન્યતા મુજબ ભગવાન રામના જન્મના ચોક્કસ સમયમાં જ આ તિલક થયો હતો.

આ પવિત્ર પ્રસંગે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વર્ચ્યુઅલ રીતે જોડાઈને પ્રાર્થના કરી અને આ દિવ્ય ક્ષણના સાક્ષી બન્યા. દેશ અને વિદેશમાં રહેલા લાખો ભક્તોએ પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જોઈને આધ્યાત્મિક આનંદ અનુભવ્યો.

મંદિર ટ્રસ્ટ દ્વારા સૂર્ય તિલક માટે વિશેષ વૈજ્ઞાનિક વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરના ઉપરના ભાગમાં લગાવવામાં આવેલા લેન્સ, અરીસા અને રિફ્લેક્ટરની મદદથી સૂર્યના કિરણોને ચોક્કસ દિશામાં મોકલવામાં આવ્યા. આ કિરણો પ્રતિબિંબિત થઈને રામ લલ્લાના કપાળ પર લગભગ 75 મિલીમીટરનું તેજસ્વી તિલક બનાવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા સૂર્યની ગતિ સાથે સુમેળમાં રાખવામાં આવી હતી, જે આ કાર્યક્રમને વધુ વિશેષ બનાવે છે.

આ પહેલા ત્રણ દિવસ સુધી આ પ્રક્રિયાનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેથી મુખ્ય દિવસે કોઈ પણ ખામી ન રહે. આ વર્ષે રામ નવમીના દિવસે રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા શુભ સંયોગો પણ બન્યા હતા, જેના કારણે આ તહેવારનું ધાર્મિક મહત્વ વધુ વધી ગયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button