ડભોઈમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા: કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ ખેંચાવવા મુદ્દે ધારાસભ્ય શૈલેષ સોટા સાથે ઝપાઝપી


વડોદરાના ડભોઇમાં વધુ એક વખત હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. સાઠોદ બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર દબાણ વશ પાછું ખેંચાવવા માટે ધારાસભ્ય શૈલેષ સોટા અને તેમનો પુત્ર પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ કોંગ્રેસના કાર્યકરોને થઈ હતી. જેને લઇ રાજકિય માહોલ ગરમાયો હતો.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયો છે. વડોદરા જિલ્લાની ડભોઈ તાલુકા પંચાયતની કચેરી ખાતે આજે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. ડભોઈ તાલુકા પંચાયતની સાઠોદ બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ જબરજસ્તીથી પરત ખેંચાવેવાના મુદ્દે ધારાસભ્ય શૈલેષ સોટા અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું.
ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં સાઠોદ ગામના રહીશો તાલુકા પંચાયત કચેરીએ ધસી આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપની દાદાગીરી સામે સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યું હતું.
રાજકિય માહોલ ગરમાતા કચેરી ખાતે અફરા તફરી મચી ગઇ હતી. ગ્રામજનો અને કોંગ્રેસ કાર્યકરોએ ધારાસભ્ય શૈલેષ સોટા અને તેમના પુત્ર સાથે ઝપાઝપી કરી હતી. ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસ સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. કોંગ્રેસ કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે ભાજપ પોતાના ઉમેદવારોને બિનહરીફ બનાવવા માટે લોકશાહીનું હનન કરી રહી છે. પોલીસે હાલ બંને પક્ષો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.




