ભદ્રના પાથરણાવાળાઓને હાઈકોર્ટે આપી વચગાળાની રાહત, દિવાળીમાં કરી શકશે ધંધો


અમદાવાદ શહેરના ઓપન મોલ કહેવાતા ભદ્રના પાથરણાવાળાઓને દિવાળીમાં હાઈકોર્ટે મોટી રાહત આપી છે. અરજીની સુનવણી દરમ્યાન કોર્ટે વચગાળાની વ્યવસ્થા રૂપે ભદ્ર વિસ્તારમાં ફેરિયાઓને ધંધો કરવાની છૂટ આપી છે.
પ્રાપ્ત માહિતી મુજબ શહેરના કોટ વિસ્તારમાં આવેલા ભદ્ર બજારમાં પાથરણાવાળાઓના ગેરકાયદે દબાણના પગલે તંત્ર આ દબાણો દૂર કરી ટ્રાફિકનું નિયમન કરી રહ્યું છે. હવે આ મુદ્દો હાઇકોર્ટના દ્વારે પહોંચતા કોર્ટે દિવાળી દરમ્યાન પાથરણાવાળાઓને વચગાળાની રાહત આપી છે. વચગાળાની વ્યવસ્થા રૂપે ભદ્ર વિસ્તારમાં ફેરિયાઓ ધંધો કરી શકશે.
એક પ્લોટ ભદ્ર માર્કેટથી 70 થી 100 મીટરના અંતરે ત્રિકોણ આકારનો છે.જેનો એરિયા 1190 સ્ક્વેર મીટર છે. જ્યારે બીજો પ્લોટ પણ ભદ્ર માર્કેટથી 100 મીટર દૂર આવેલો છે, જેનો એરિયા 322 સ્કેવર મીટર છે. અહીં પહેલા અરજદાર એવા સેલ્ફ એમ્પ્લોઈડ લેબર ઓર્ગેનાઈઝેશન અને સેલ્ફ એમ્પ્લોયડ વર્કર એસોસિએશનના રજીસ્ટર્ડ ફેરિયાઓને સમાવવામાં આવશે. ફેરિયાઓ વધે તો બાકીના ફેરિયાઓને ભદ્રથી 180 મીટર દૂર સેન્ટ્રલ ગાર્ડનમાં જગ્યા આપવામાં આવશે. આ ત્રણ જગ્યાઓએ વચગાળાની વ્યવસ્થા સ્વરૂપે ફેરિયાઓને ધંધો કરવાની છૂટ આપવામાં આવી છે. આ અંગે વધુ સુનાવણી દિવાળી વેકેશન બાદ થશે.




