GUJARAT

આજે મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, આ 5 જિલ્લામાં વરસશે ધોધમાર વરસાદ

 રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. જોકે, ગુજરાતમાં હજુ સુધી સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઇ નથી. આજે રાજ્યમાં 76 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે વધુ પાંચ જિલ્લામાં આગામી કલાકોમાં વરસાદની આગાહી કરી છે, જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારો સામેલ છે. અરબી સમુદ્રમાં સક્રિય બનેલી વરસાદી સિસ્ટમ અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આગળ વધતી ગતિના કારણે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી કલાકોમાં આણંદ સહિત મધ્ય ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકશે. અનુમાન મુજબ આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાઓ તેમજ દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાનની અનુકૂળ પરિસ્થિતિઓને કારણે ચોમાસું ધીમે-ધીમે પશ્ચિમ અને ઉત્તર દિશામાં આગળ વધતું જોવા મળી રહ્યું છે, જે ગુજરાત માટે સારા સંકેત માનવામાં આવે છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી દિવસોમાં પવનની ગતિમાં વધારો થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. માછીમારો અને દરિયાઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને હવામાનની નવીનતમ માહિતી પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.                            

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button