GUJARAT

ગુજરાતમાં ભારે વરસાદથી હાહાકાર, સૂરત-નવસારીમાં 6ના મોત; 40,500થી વધુ લોકોનું સ્થળાંતર, હજુ પણ 72 કલાક અતિભારે

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદને કારણે ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠકમાં રાજ્યમાં વરસાદની વર્તમાન સ્થિતિ, બચાવ-રાહત કામગીરી તેમજ વીજળી, રસ્તાઓ અને પુરવઠા જેવા મૂળભૂત માળખાકીય સુવિધાના પુનઃસ્થાપન અંગે જે-તે વિભાગના સચિવો પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં હાલ 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે. તેના કારણે આગામી 3-4 દિવસ સુધી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને રાજ્યમાં વિવિધ સ્થળોએ રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ આ વિસ્તારોના જિલ્લા કલેક્ટરો અને વહિવટી તંત્રને હાઈ એલર્ટ મોડ પર રહેવા સૂચનાઓ આપી હતી.

સમગ્ર રાજ્યમાં વરસેલા વરસાદની જાણકારી આપતા રાહત કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય સરેરાશ વરસાદ કરતા વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ અને નવસારી જિલ્લામાં તો છેલ્લા 30 વર્ષના મોસમના સરેરાશ વરસાદ કરતા આ વર્ષે અત્યાર સુધીમાં 90.98 ટકા અને 95.13 ટકા સરેરાશ વરસાદ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ખેડા જિલ્લામાં સૌથી વધુ આશરે 24 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

રાજ્ય સરકારે નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપ્યું છે અને અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 40,500 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તથા 6367 લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા બચાવ કામગીરી પૂર્ણતાના આરે છે. વલસાડ ખાતે રેસ્ક્યુ પૂર્ણ થતાં NDRFની ટીમ 15 બોટ સાથે અમદાવાદ રવાના કરવામાં આવી છે.સમગ્ર રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં એન.ડી.આર.એફ.ની કુલ 17 અને એસ.ડી.આર.એફ.ની 32 ટીમો સ્થાનિક પ્રશાસનની મદદમાં છે. ઉત્તર ગુજરાતમાં સંભવિત સ્થિતિ માટે NDRF અને SDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. એટલું જ નહિ, બચાવ કામગીરી માટે આર્મીની 2 ટુકડી અમદાવાદ, 2 વલસાડ અને 2 નવસારીમાં તૈનાત કરવામાં આવી છે તથા 4 ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button