સુરેન્દ્રનગરમાં ટ્રક ચાલકે 10 પદયાત્રીને કચડ્યા, ઘટનાસ્થળે જ સાતના કમકમાટીભર્યા મોત


આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક અકસ્માત સર્જાયો છે. લખતરના ભાસ્કરપરા નજીક એક બેફામ ગતિએ આવતા ટ્રકે 10 પદયાત્રીઓને અડફેટે લેતા 7 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. અકસ્માતમાં એક જ પરિવારના 7 સભ્યોના મોતથી માતમ છવાઈ ગયો હતો. ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યોને અકસ્માત નડ્યો હતો. પદયાત્રીઓ રાજકોટના ગઢકા ગામે આવેલા મંદિરે સંઘ લઈને જતા હતા. અકસ્માતમાં પાંચ મહિલા અને બે પુરુષના સ્થળ પર મોત થયા હતા. આ અકસ્માતમાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોના કરુણ મોત નિપજ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા. આ પદયાત્રીઓ રાજકોટના ગઢકા ગામે આવેલા મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા, ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. મૃતકોમાં 5 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. જોકે, આ અંગેની જાણ થતા ત્યાંથી પસાર થતા લોકો પણ આ ગમખ્વાર અકસ્માતના પીડિતોની મદદ કરવા માટે ત્યાં ઉભા રહ્યા હતા. આ ઉપરાંત કચડાયેલા પદયાત્રીઓના મૃતદેહ પણ રસ્તા પર પડ્યા હતા. જેના કારણે છારદ ગામના પાટિયા પાસે થોડા સમય માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલકે અંદાજે 10 જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓના મૃતદેહો રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર હોસ્પિટલ ખસેડી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથક અને ભરવાડ સમાજમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.




