Business

બ્લિંકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે, એક મહિનામાં 35% મોંઘી થઈ

બ્લિંકિટ, ઝેપ્ટો જેવી ક્વિક-કોમર્સ એપ્સ પરથી હવે ગ્રાહકો એક વખતમાં 2 થી 5 કિલો સુધી જ ખાંડ ખરીદી શકશે. દેશમાં તહેવારોની સિઝન શરૂ થવાના બરાબર પહેલાં ખાંડનો પુરવઠો ઘટવા અને કિંમતોમાં અચાનક આવેલા ઉછાળા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગ્રાહક બાબતોના વિભાગ અનુસાર, 26 ઓગસ્ટે દેશમાં ખાંડની સરેરાશ છૂટક કિંમત 65.05 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. માત્ર એક મહિના પહેલા 26 જુલાઈએ તે 48 રૂપિયા પ્રતિ કિલો હતી. એટલે કે 30 દિવસમાં ખાંડ 35.5% મોંઘી થઈ છે.

ઓફલાઇન બજારમાં ડીમાર્ટ અને રિલાયન્સ રિટેલ જેવા સુપરમાર્કેટ્સ દ્વારા પ્રતિ ગ્રાહક 2 થી 3 કિલો ખાંડ ખરીદવાની લિમિટ નક્કી કરવામાં આવી છે. મુખ્ય ખાંડ બ્રાન્ડ્સના એક સિનિયર એક્ઝિક્યુટિવના મતે, રિટેલર્સ આ પગલું સંગ્રહખોરી રોકવા અને દરેક ગ્રાહકને સ્ટોક પુરો પાડવા માટે લઈ રહ્યા છે.

કઈ એપ/સ્ટોર પર કેટલી લિમિટ?

  • બ્લિંકિટ: 1 વારમાં વધુમાં વધુ 5 કિલો
  • સ્વિગી ઇન્સ્ટામાર્ટ: 1-1 કિલોના 2 પેકેટ અથવા 5 કિલોનું 1 પેક
  • બિગ બાસ્કેટ: વધુમાં વધુ 6 કિલો (અલગ-અલગ બ્રાન્ડ્સ)
  • ડીમાર્ટ / રિલાયન્સ: 2 થી 3 કિલો પ્રતિ ગ્રાહક

જથ્થાબંધ બજારમાં પણ 34% મોંઘી થઈ ખાંડ

જથ્થાબંધ બજારમાં પણ ખાંડના ભાવ 45 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 60.36 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. પીઆઈબીના આંકડા મુજબ, 20 જુલાઈથી 20 ઓગસ્ટની વચ્ચે જ ખાંડના ભાવ 16% સુધી વધી ગયા હતા, જે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયા સુધી વધુ તેજ બન્યા.

ભાવ વધવાના અને સપ્લાય ઘટવાના 3 કારણો

1. ઉત્પાદનમાં ઘટાડાનો અંદાજ: ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISMA)એ 2025-26 માર્કેટિંગ વર્ષ માટે ઇથેનોલ બ્લેન્ડિંગ પછી દેશનું ખાંડ ઉત્પાદન આશરે 279 લાખ ટન રહેવાનો અંદાજ મૂક્યો છે.

2. ઘરેલું માંગ વધુ: ભારતમાં ખાંડની વાર્ષિક ઘરેલું વપરાશ આશરે 280 લાખ ટન છે. સત્રની શરૂઆતમાં આશરે 50 લાખ ટનનો ઓપનિંગ સ્ટોક હતો, પરંતુ વપરાશની સરખામણીમાં નવું ઉત્પાદન ઓછું રહેવાની આશંકાથી સપ્લાય પ્રેશર વધ્યું છે.

3. ક્લોઝિંગ સ્ટોક ઓછો રહી શકે છે: ISMA અનુસાર, સપ્ટેમ્બરના અંત સુધીમાં દેશમાં ક્લોઝિંગ સ્ટોક ઘટીને માત્ર 35 લાખ ટન રહી જશે, જે પાછલા વર્ષોની સરખામણીમાં ઘણો ઓછો છે.

તહેવારોની સિઝનમાં સામાન્ય બજેટ બગડશે

રક્ષાબંધન અને આવનારા ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો દરમિયાન મીઠાઈઓ અને ખાંડમાં બનતી વાનગીઓની માંગ ઘણી વધી જાય છે. આવા સમયે ખાંડની કિંમતોમાં પ્રતિ કિલો 17 રૂપિયા કિલો સુધીના વધારાથી સામાન્ય પરિવારોના મહિનાના રાશનના બજેટ પર સીધી અસર થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button