World

નેપાળ મહાજળહોનારતમાં ભારે તારાજી; કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા 25 ગુજરાતીઓ 72 કલાકથી ગુમ

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ મહાજળહોનારતમાં કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રાએ ગયેલા ગુજરાતના 25 જેટલા યાત્રાળુઓ છેલ્લા 72 કલાકથી સંપર્ક વિહોણા બન્યા છે. કુદરતી આફતના કારણે સર્જાયેલી આ સ્થિતિમાં ફસાયેલા તમામ ગુજરાતીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં ગુમ થયેલા લોકોમાં મુખ્યત્વે અમદાવાદ, આણંદ, ખેડા, સુરત અને ગાંધીનગરના નાગરિકોનો સમાવેશ થાય છે. આ તમામ લોકો કૈલાશ માનસરોવરના દર્શનાર્થે ગયા હતા અને અચાનક હવામાન પલટાતા ફસાયા છે. પરિવારજનો છેલ્લા ત્રણ દિવસથી તેમના સ્વજનોના સંપર્કની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા ગુમ થયેલા મુસાફરોની શોધખોળ માટે તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલય અને નેપાળમાં ભારતીય દૂતાવાસ સાથે સતત સંકલન કરીને સ્થાનિક સ્તરે બચાવ ટુકડીઓને કામે લગાડવામાં આવી છે. નેપાળના ભોટે કોશી નદી અને બાગમતી વિસ્તારમાં પૂરના કારણે ભારે નુકસાન થયું છે. મોટાભાગના વિસ્તારોમાં ટેલિફોન અને ઈન્ટરનેટ નેટવર્ક સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે, જેના કારણે ફસાયેલા લોકોનું ચોક્કસ લોકેશન મેળવવામાં અને તેમનો સંપર્ક સાધવામાં વહીવટીતંત્રને ભારે મુશ્કેલી પડી રહી છે.

રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને કંટ્રોલ રૂમ મારફતે અપડેટ્સ મેળવવામાં આવી રહ્યા છે. નેટવર્ક ફરીથી શરૂ થવાની સાથે જ અન્ય ગુમ થયેલા યાત્રાળુઓની ભાળ મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તમામ યાત્રાળુઓને સહીસલામત ગુજરાત પરત લાવવા માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પ્રયાસો અકબંધ રાખવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button