Top In Ahmedabad

અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ AMTS-BRTSને ‘ફળી’, મુસાફરો વધતાં જ એક જ દિવસમાં તિજોરી છલકાઈ

અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકોની અચાનક હડતાળને કારણે સામાન્ય નાગરિકોને મુસાફરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ સ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે આર્થિક રીતે અત્યંત ફાયદાકારક સાબિત થઈ હતી. રિક્ષાઓ બંધ રહેવાના કારણે શહેરીજનોએ જાહેર પરિવહન પર વધુ નિર્ભર રહેવું પડ્યું હતું, જેના સીધા પરિણામે AMTS અને BRTS બસ સેવાઓની મુસાફર સંખ્યા અને દૈનિક આવકમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.

સામાન્ય દિવસો દરમિયાન AMTS બસ સેવા દ્વારા અંદાજે 06 લાખ જેટલા મુસાફરો મુસાફરી કરતા હોય છે, જેનાથી દૈનિક સરેરાશ 30 લાખ રૂપિયાની આવક થતી હોય છે. પરંતુ 7 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી રિક્ષા ચાલકોની હડતાળના દિવસે આંકડાઓમાં મોટો ફેરફાર નોંધાયો હતો. તે દિવસે AMTS બસમાં મુસાફરી કરનાર પ્રવાસીઓની સંખ્યા વધીને 7 લાખ કરતા પણ વધુ પહોંચી ગઈ હતી, જેના પરિણામે એક જ દિવસમાં 47 લાખ રૂપિયાથી વધુની માતબર આવક થવા પામી હતી.

AMTSની સાથે-સાથે BRTS બસ સેવાને પણ રિક્ષા હડતાળનો ભરપૂર લાભ મળ્યો હતો. સામાન્ય દિવસોમાં BRTS માં સરેરાશ 01 લાખ મુસાફરો નોંધાતા હોય છે અને તેના દ્વારા લગભગ 13 લાખ રૂપિયાની દૈનિક આવક થતી હોય છે. જ્યારે 07 સપ્ટેમ્બરના હડતાળના દિવસે મુસાફરોની સંખ્યા વધીને 1.5 લાખ સુધી પહોંચી ગઈ હતી, જેના લીધે BRTS ની દૈનિક આવક વધીને સીધી 20 લાખ રૂપિયા થઈ ગઈ હતી.

રિક્ષા ચાલકોની હડતાળને કારણે રેલવે સ્ટેશને આવતા-જતા મુસાફરો અટવાઈ ન જાય તે માટે તંત્ર દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી હતી. કાલુપુર અને સાબરમતી જેવા વ્યસ્ત રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને AMTS દ્વારા મોડી રાત્રે પણ વધારાની ખાસ બસો દોડાવવામાં આવી હતી, જેથી મોડી રાત્રે ટ્રેન દ્વારા શહેરમાં આવતા લોકોને ઘર સુધી પહોંચવામાં કોઈ અગવડ ન પડે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button