Top In Ahmedabad

નવા વર્ષની ઉજવણીમાં  નશો કરનારાઓ- સ્ટંટબાજોની ખેર નથી, પોલીસે બનાવ્યો આ એક્શન પ્લાન

વર્ષ 2026ને આવકારવા માટે અમદાવાદીઓ થનગની રહ્યા છે. ત્યારે 31 ડિસેમ્બરની રાત્રિએ નવા વર્ષની ઉજવણીમાં કોઈ અડચણ ઊભી ના થાય તે માટે અમદાવાદ પોલીસે પણ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. થર્ટી ફસ્ટની રાત્રિના બંદોબસ્તમાં રાત્રે 1 વાગ્યા સુધી 9,000થી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે. શહેરમાં અલગ અલગ જગ્યાએ ડ્રાઈવ યોજવામાં આવશે. જેમાં ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ પણ જોડાશે. મહિલાઓની સુરક્ષા ઉપરાંત રોડ ઉપર સ્ટંટ કરનારા સ્ટંટબાજો અને નશો કરી ડ્રાઈવ કરનારાઓ સામે સખ્ત પગલાં ભરવામાં આવશે.

અમદાવાદ શહેર વિસ્તારમાં સાબરમતી રીવરફ્રન્ટ, સરદાર પટેલ રીંગરોડ, સીજી રોડ, નવરંગપુરા, એસ.જી. હાઈવે, સિંધુભવન રોડ, સોલા, સેટેલાઈટ, વસ્ત્રાપુર, એલીસબ્રીજ, ગાયકવાડ હવેલી, મણિનગર, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં નવા વર્ષના આગમને વધાવવા લોકો એકત્ર થાય છે. ઘણી જગ્યાએ ક્લબોમાં, ફાર્મહાઉસમાં તેમજ પ્રાઈવેટ પાર્ટી પ્લોટોમાં મેળાવડા- પાર્ટીઓનું પણ આયોજન થાય છે. 

443 બ્રેથ એનાલાઈઝરની મદદથી ચેકિંગ થશે

નવા વર્ષની આહ્લાદક ઉજવણીમાં કોઈ ખલેલ ના પહોંચે તે માટે અને ખાસ કરીને દારુ અને ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે શહેરમાં પ્રવેશ કરતા 63 નાકા પોઈન્ટ  ગોઠવવામાં આવ્યા છે. આ સાથે એન્ટ્રી પોઈન્ટ પર 14 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે 71 જેટલી શી ટીમ કાર્યરત રહેશે. આ સાથે 443 બ્રેથ એનાલાઈઝરની મદદથી ચેકિંગ કરવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર એકત્રિત થવાના હોવાને કારણે રોમિયોગીરી અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ રોકવા મોટાપાયે પેટ્રોલિંગ કરવામાં આવશે. 

રસ્તાઓ બંધ કરવામાં આવશે

અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરના સાંજના 6 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી અમુક રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવશે. જ્યારે સિંધુભવન રોડ અને સીજી રોડ પર સાંજના સમયથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવશે. પોલીસની 9 QRT, 4 BDDS ટીમ, 123 જેટલી પીસીઆર વાન, 39 સ્પીડગન કેમેરા, 2560 જેટલા બોડી વોર્ન કેમેરા જેવા સંસાધનોનો ઉપયોગ કરીને સખત નજર રાખવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button