GUJARAT

ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો

ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલા સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયકને રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં જ રાજ્ય સરકાર દ્વારા આ અંગેનું ગેજેટ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં 24 માર્ચ 2026ના રોજ આ મહત્વકાંક્ષી UCC વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આ નવા કાયદા હેઠળ રાજ્યમાં લગ્ન અને છૂટાછેડા માટે સમાન કાયદાકીય જોગવાઈઓ અમલી બનશે, જ્યારે આદિવાસી સમુદાયને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ કાયદાથી સંપત્તિ અને ઉત્તરાધિકારના અધિકારોમાં મહિલાઓને પુરુષો સમાન હક મળશે. મિલકતમાં પુત્ર અને પુત્રી બંનેને સમાન વારસાગત અધિકાર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાજ્યમાં લિવ-ઇન રિલેશનશિપ માટે નોંધણી (registration) કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને લિવ-ઇન સંબંધોથી જન્મેલા બાળકોને પણ પિતાની મિલકતમાં કાયદાકીય હક પ્રાપ્ત થશે.

તમને જણાવી દઈએ કે, 24 માર્ચ 2026 ના રોજ ગુજરાત વિધાનસભામાં UCC બિલ 2026 પસાર થયું હતું. ઉત્તરાખંડ બાદ ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC – Uniform Civil Code) બિલ પસાર કરનારું દેશનું બીજું રાજ્ય બની ગયું હતું.  જોકે, તે સમયે વિપક્ષ કોંગ્રેસે આ બિલનો સખત વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે બિલના પ્રથમ વાંચન બાદ તેને વધુ વિચારણા માટે પ્રવર સમિતિ (Select Committee) ને મોકલવાની માંગણી કરી હતી. પરંતુ, આ માંગણીનો અસ્વીકાર થતાં ગૃહમાં હાજર કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. બિલ પસાર થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કાયદો રાજ્યની દીકરીઓ અને મહિલાઓના રક્ષણ માટે અત્યંત જરૂરી છે અને આ દિવસ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

“મારે કાયદાનો ડંડો ઉગામવો જ પડે”: મુખ્યમંત્રીનું નિવેદન
UCC વિધેયક પરની ચર્ચાના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યંત ભાવનાત્મક રીતે ગૃહને સંબોધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “મને બધા દાદા-દાદા કહીને બોલાવે છે. ત્યારે મારા રાજ્યની તમામ દીકરીઓ, બહેનો અને માતાઓની કાળજી રાખવી એ મારી નૈતિક ફરજ છે. તમામ દીકરીઓ અને માતાઓના રક્ષણ માટે મારે કાયદાનો ડંડો ઉગામવો જ પડે, અને મેં એ જ કર્યું.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ બિલ તુષ્ટિકરણની રાજનીતિ માટે નથી, પરંતુ સમાજમાં સમાનતા લાવવા માટે છે.

મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત સમાન અધિકાર સંહિતાનો ઉદ્દેશ્ય કોઈના અધિકારો છીનવવાનો કે કોઈની ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ મારવાનો જરાય નથી. આ કાયદો માત્ર કાનૂની ભેદભાવ દૂર કરવા માટે છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ બિલ કોઈ પણ રીતે બંધારણની વિરુદ્ધ નથી, પરંતુ તે બંધારણનું પૂરક છે.

લિવ-ઈન રિલેશનશિપ અને લગ્ન નોંધણીના કડક નિયમો

મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે આ બિલ લિવ-ઈન રિલેશનશિપને પ્રોત્સાહિત કરતું નથી, પરંતુ બદલાતા સમયમાં ‘શ્રદ્ધા વાલકર’ જેવી ભયાનક ઘટનાઓથી દીકરીઓને બચાવવા માટે લિવ-ઈનનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ કાનૂની સુરક્ષા માટે છે. એવી જ રીતે, લગ્નની નોંધણી પણ ફરજિયાત કરવામાં આવી છે, જેથી ઓળખ છુપાવીને કે છેતરપિંડી કરીને લગ્ન કરનારાઓ પર લગામ કસી શકાય.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button