ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગની તૈયારી: 12 થી 15 સપ્ટેમ્બર સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગની નવી આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે. રાજ્યમાં અત્યારે ‘લો પ્રેશર’ સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જામ્યો છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ‘અપર એર સર્ક્યુલેશન’ પણ સક્રિય જોવા મળી રહ્યું છે. મોન્સૂન ટ્રફ સહિત કુલ ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના છે. નોંધનીય છે કે, હાલમાં રાજ્યમાં સિઝનના સામાન્ય વરસાદની સરખામણીમાં હજુ પણ 28 ટકા જેટલી વરસાદની ઘટ નોંધાઈ છે, જે આ આગામી વરસાદથી થોડી અંશે પૂરી થવાની આશા છે.
હવામાન વિભાગ દ્વારા 12 થી 15 સપ્ટેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજની વાત કરીએ તો, આજે અમદાવાદ શહેરમાં હળવા વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. 12 સપ્ટેમ્બરે પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે.
13 સપ્ટેમ્બરનો દિવસ વરસાદની દૃષ્ટિએ ભારે રહેવાની શક્યતા છે. આ દિવસે સમગ્ર રાજ્યમાં ‘યેલો અલર્ટ’ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આશંકાને પગલે ‘ઓરેન્જ અલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
આ જ દિવસે અમદાવાદ સહિત અન્ય કેટલાક જિલ્લાઓમાં ‘યેલો અલર્ટ’ સાથે ભારે વરસાદ વરસી શકે છે. આ વરસાદી સિસ્ટમની અસર આગળ પણ ચાલુ રહેશે અને 15 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ‘યેલો અલર્ટ’ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારો માટે ખાસ ચેતવણી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ખરાબ હવામાન અને દરિયામાં ભારે કરંટની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યા છે. હવામાન વિભાગે માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપી છે. આ ઉપરાંત, આગામી 13 અને 14 સપ્ટેમ્બરના રોજ પણ જોખમ હોવાથી આ બે દિવસ દરમિયાન માછીમારોને દરિયામાં ન જવાની કડક સલાહ આપવામાં આવી છે.




