અંતે વરસાદની વિદાય બાદ ગુજરાતમાં ઠંડીનો પગ પેસારો, તાપમાનમાં પણ ઘટાડો


ગુજરાતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચોમાસાની ઝાપટા વરસી રહ્યાં હતાં. પરંતુ હવે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ, ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે અને હવે રાજ્યમાં બેવડી ઋતુ — એટલે કે ચોમાસા પછીની ઠંડીની શરૂઆત — અનુભવાઈ રહી છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજના સમયે લોકો ઠંડી પવનનો અહેસાસ કરી રહ્યા છે.
રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ ગુરુવારે રાજ્યના સરેરાશ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થયો હતો. અમદાવાદમાં લઘુતમ તાપમાન બે ડિગ્રી ઘટીને 22 ડિગ્રી સેલ્સિયસ થયું છે, જ્યારે નલિયામાં તો લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે ઉતરીને 19.8 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
આ આંકડા સ્પષ્ટ કરે છે કે હવે ગુજરાતમાં ઠંડીનું આગમન થઈ રહી છે. હાલના દિવસોમાં તો હળવી ઠંડીનો અહેસાસ છે, પરંતુ આવતા સપ્તાહોમાં ઠંડી વધુ વધવાની સંભાવના છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ ફેરફાર સામાન્ય છે, કારણ કે ચોમાસા પછી તાપમાન ધીમે ધીમે ઘટે છે અને ઉત્તર ભારત તરફથી ઠંડી હવાનાં પ્રવાહો દક્ષિણ તરફ સરકે છે.
બીજી તરફ, ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીની શરૂઆત વધુ ઝડપથી થઈ રહી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના ઊંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાથી ઠંડીમાં વધારો થશે. હિમવર્ષા પછી ઉત્તર ભારતના ભાગોમાં ઠંડી લહેરો શરૂ થશે, જેની અસર આગામી દિવસોમાં ગુજરાત સહિત પશ્ચિમ ભારત સુધી પણ પહોંચી શકે છે.હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રા મુજબ, ઓક્ટોબર મહિનામાં દેશના મોટાભાગના ભાગોમાં તાપમાન સામાન્યથી થોડીક ઉપર રહેવાની સંભાવના છે. છતાંય ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે હળવી શીતલહેર શરૂ થઈ શકે છે.




