GUJARAT

ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. ચૂંટણી પંચે રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 9992 બેઠકો માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આગામી 6 એપ્રિલના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે. નવા OBC અનામત નિયમો લાગુ થયા પછી આ પ્રથમ વખત આટલા મોટા પાયે ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ જાહેરાત થતાંની સાથે જ રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે.

ચૂંટણી અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, 6 એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે, ત્યારથી જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 13 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 26 એપ્રિલના રોજ તમામ બેઠકો માટે એકસાથે મતદાન કરવામાં આવશે.

આ વખતે રાજ્યમાં કુલ 9992 બેઠકો પર મતદાન થશે. જેમાં જૂનાગઢ અને ગાંધીનગર સિવાયની 15 મહાનગરપાલિકાની 1044 બેઠકો, 7 નવી નગરપાલિકાઓ સાથે કુલ 84 નગરપાલિકાની 2624 બેઠકો, 34 જિલ્લા પંચાયતની 1090 બેઠકો અને 260 તાલુકા પંચાયતની 5234 બેઠકોનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં કેટલાક વિસ્તારોની હદમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. 34 જિલ્લા પંચાયતોમાંથી 24 ની હદ બદલાઈ છે, જ્યારે 9 ના સીમાંકનમાં કોઈ ફેરફાર નથી. તાલુકા પંચાયતની વાત કરીએ તો 109 તાલુકા પંચાયતોમાં રોટેશન સિવાય કોઈ ફેરફાર નથી કરાયો, પરંતુ 53 તાલુકા પંચાયતોના સીમાંકન બદલાયા છે.

આ ચૂંટણી 17 ફેબ્રુઆરીના રોજ જાહેર થયેલી ડ્રાફ્ટ મતદાર યાદી અને SIR ની નવી ડ્રાફ્ટ યાદી મુજબ યોજાશે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, રાજ્યમાં કુલ 4 કરોડ 40 લાખ જેટલા મતદારો નોંધાયા છે, જેમાંથી 4 કરોડ 18 લાખ 87 હજાર મતદારો મતદાન કરવા માટે લાયક છે. આ મતદારોમાં 2 કરોડ 16 લાખ પુરુષો અને 2 કરોડ 2 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. જો વિસ્તાર મુજબ વહેંચણી જોઈએ તો, મનપામાં 1.10 કરોડ, નગરપાલિકામાં 33.66 લાખ અને તાલુકા-જિલ્લા પંચાયતના વિસ્તારોમાં 2.75 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સ્થાનિક નેતાઓની પસંદગી કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button