ફિલ્મ જેવી ઘટના! મુંબઈમાં 15-20 બાળકોને બંધક બનાવનાર વ્યક્તિની ધરપકડ, ઓડિશનના બહાને કર્યું હતું અપહરણ


આજે ગુરુવારે મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ધોળા દિવસે બાળકોના બંધક બનાવવાની ઘટના સામે આવી છે. આ ઘટના RA સ્ટુડિયોમાં બની છે. સ્ટુડિયોના પહેલા માળે એક્ટિંગ ક્લાસિસ લેવામાં આવે છે. એવું કહેવાય છે કે, તે સવારે લગભગ 100 બાળકો ઓડિશન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન, સ્ટુડિયોમાં કામ કરતો અને યુટ્યુબ ચેનલ ચલાવતો રોહિત 15 થી 20 બાળકોને બંધક બનાવી લીધા હતા. જોકે, પોલીસ દ્વારા થોડા જ સમય આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર, તે છેલ્લા 4-5 દિવસથી ત્યાં ઓડિશન કરાવી રહ્યો હતો. આજે તેણે લગભગ 80 બાળકોને પાછા મોકલી દીધા હતા, પરંતુ બાકીના બાળકોને એક રૂમમાં બંધ કરી દીધા હતા. બાળકો બારીમાંથી બહાર ડોકિયું કરતા જોવા મળ્યા, જેના કારણે નજીકના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જણાવી દઈએ કે, પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે અને પરિસ્થિતિ સમજવા માટે તેની પૂછપરછ કરી રહી છે. અધિકારીએ એ પણ સ્પષ્ટતા કરી કે, અત્યાર સુધી કોઈ બાળકોને નુકસાન થયું નથી.
આ દરમિયાન, બંધક બનાવનાર રોહિત આર્યનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહે છે કે, “મેં એક સુનિયોજિત ષડયંત્રના ભાગ રૂપે બાળકોને બંધક બનાવ્યા છે. મારી ચોક્કસ માંગણીઓ છે, અને આ માંગણીઓ પૈસા નથી. આ માંગણીઓ પૂરી થવી જ જોઈએ. એટલા માટે મેં બાળકોને બંધક બનાવ્યા છે.”
માહિતી મળતાં જ મોટી પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ સ્ટુડિયોને ઘેરી લેનારા આરોપીઓની ઓળખ અને શા માટે બંધક બનાવવામાં આવ્યા છે, તેની તપાસ કરી રહી હતી. જોકે, આ વચ્ચે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે આરોપી રોહિત આર્યનો તેમનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, મુંબઈના પવઈ વિસ્તારમાં રોહિત આર્ય નામનો એક વ્યક્તિએ કેટલાક બાળકોને બંધક બનાવ્યા હતા. તેણે એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેણે કથિત રીતે કહ્યું હતું કે, તે કેટલાક લોકો સાથે વાત કરવા માંગે છે અને જો તેને બોલવા દેવામાં નહીં આવે તો તે બધું બાળી નાખશે અને પોતાને અને બાળકોને નુકસાન પહોંચાડશે. આ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર દેખાય છે.




