”લગ્ન પહેલા શારીરિક સંબંધ કેવી રીતે બનાવી શકાય”, લિવ-ઈન રિલેશનશિપ પર સુપ્રીમ કોર્ટનો સવાલ


સુપ્રીમ કોર્ટ (Supreme Court of India) એ લગ્નના ખોટા વચન આપી શારીરિક સંબંધ બાંધવાના કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાંની બેન્ચે સોમવારે જણાવ્યું કે લગ્ન પહેલાં શારીરિક સંબંધ અંગે યુવાઓએ સાવચેતી રાખવી જોઈએ. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે કદાચ તેમના વિચારો જુનવાણી લાગશે પરંતુ લગ્ન પહેલાં એકબીજાને પૂરતા ઓળખ્યા વિના સંબંધ બાંધવા અંગે વિચારવું જરૂરી છે.
આ મામલો એક વ્યક્તિની જામીન અરજી સાથે જોડાયેલો છે. જેના પર લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધવાનો આરોપ છે. સરકારી વકીલના જણાવ્યા મુજબ 2022માં એક લગભગ 30 વર્ષની યુવતી મેટ્રિમોનિયલ વેબસાઇટ મારફતે આરોપી સાથે સંપર્કમાં આવી હતી. આરોપ છે કે તેણે લગ્નની ખાતરી આપીને દિલ્હી અને બાદમાં દુબઈમાં યુવતી સાથે સંબંધ બાંધ્યા. યુવતીનો દાવો છે કે દુબઈ પ્રવાસ દરમિયાન તેની મંજૂરી વિના અંગત વીડિયો બનાવવામાં આવ્યા અને બાદમાં તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવામાં આવી. જો કે આ પછી યુવતીને જાણવા મળ્યું કે આરોપી પહેલેથી જ પરિણીત હતો અને 19 જાન્યુઆરી 2024ના રોજ તે પંજાબમાં અન્ય મહિલા સાથે લગ્ન કરી ચૂક્યો હતો.
આ કેસમાં નીચલી અદાલત અને દિલ્હી હાઇ કોર્ટ ( Delhi High Court) એ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. હાઈકોર્ટે નોંધ્યું હતું કે લગ્નનું વચન શરૂઆતથી જ ભ્રામક હતું કારણ કે આરોપી અગાઉથી પરિણીત હતો. આ નિર્ણયને પડકારતા આરોપીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસની બેન્ચએ સંબંધોની ગંભીરતા અને વિશ્વાસના મુદ્દા પર પ્રશ્નો ઉઠાવ્યા. કેસની આગળની સુનાવણી બુધવારે થવાની છે. આ ટિપ્પણીઓ બાદ સમાજમાં લગ્ન પહેલાના સંબંધો અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.




