GUJARAT

ગુજરાતમાં 20 એપ્રિલથી વસ્તી ગણતરી શરૂ, 19 મે સુધી હાઉસ લિસ્ટિંગ, પૂછાશે 33 સવાલ

દેશભરમાં યોજાનારી વસતિ ગણતરી–2027 (Census 2027) ને લઈને ગુજરાત માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ ગુજરાતમાં વસતિ ગણતરીનો પ્રથમ તબક્કો એટલે કે હાઉસલિસ્ટિંગ પ્રક્રિયા 20 એપ્રિલ 2026થી શરૂ થઈ 19 મે 2026 સુધી ચાલશે. આ દરમિયાન રાજ્યના દરેક શહેર, ગામ અને વોર્ડમાં સરકારી કર્મચારીઓ ઘરે-ઘરે જઈને મકાન અને પરિવાર સંબંધિત વિગતવાર માહિતી એકત્રિત કરશે. આ તબક્કો આગામી મુખ્ય વસતિ ગણતરી માટે આધારભૂત માનવામાં આવે છે.

હાઉસલિસ્ટિંગ એ વસતિ ગણતરીનો પ્રથમ અને અત્યંત મહત્વપૂર્ણ તબક્કો છે. તેમાં માત્ર વ્યક્તિઓની ગણતરી જ નહીં પરંતુ દરેક મકાન, રહેણાંક એકમ અને તેમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવવામાં આવશે. સમગ્ર દેશમાં આ પ્રક્રિયા 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન અલગ-અલગ તબક્કામાં યોજાશે. જ્યારે ગુજરાત માટે 20 એપ્રિલથી 19 મેનો સમયગાળો નક્કી કરાયો છે. જેથી ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ કરી શકાય.

સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે હાઉસલિસ્ટિંગ ફોર્મમાં કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. તેમાં મકાનનું માળખું, ઘરનું ઉપયોગ, રહેવાસીઓની સંખ્યા, પીવાનું પાણી, વીજળી, શૌચાલય, રસોઈ ગેસ, વાહન અને ડિજિટલ સુવિધાઓ જેવી મહત્વપૂર્ણ વિગતોનો સમાવેશ થાય છે. આ માહિતીના આધારે સરકાર ભવિષ્યની વિકાસ યોજનાઓ અને નીતિઓ ઘડશે.

આ વસતિ ગણતરીને વધુ સરળ અને આધુનિક બનાવવા માટે સરકારે 15 દિવસની સ્વ-ગણતરી (Self Enumeration)ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. એટલે કે નાગરિકો ઈચ્છે તો સર્વેયર તેમના ઘરે આવે તે પહેલાં જ સરકારના સત્તાવાર ઓનલાઇન પોર્ટલ અથવા મોબાઇલ એપ દ્વારા પોતાની માહિતી જાતે ભરી શકશે. આ અંગેની માહિતી ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગેઝેટ નોટિફિકેશન મારફતે જાહેર કરવામાં આવી છે.

આ વખતની વસતિ ગણતરી ઐતિહાસિક રીતે ડિજિટલ અને ટેક્નોલોજી આધારિત બનશે. પરંપરાગત કાગળની જગ્યાએ મોબાઇલ એપ્લિકેશન અને CMMS પોર્ટલ મારફતે ડેટા એકત્રિત કરવામાં આવશે. જેથી માહિતીની ચોકસાઈ અને સુરક્ષા જળવાઈ રહે.

સરકારે આ અભિયાન માટે વિશાળ તાલીમ વ્યવસ્થા પણ કરી છે.

  • 100 નેશનલ ટ્રેનર્સ
  • 2000 માસ્ટર ટ્રેનર્સ
  • અંદાજે 44,000 ફિલ્ડ ટ્રેનર્સ
  • આ તમામ લોકોને ડિજિટલ સાધનો અને એપ આધારિત પ્રક્રિયાની તાલીમ આપવામાં આવશે, જે જમીનસ્તરે કામગીરી કરશે.

બજેટ અને ગ્રાન્ટની વ્યવસ્થા

આ રાષ્ટ્રીય અભિયાનને સફળ બનાવવા માટે સરકારે મોટું બજેટ ફાળવ્યું છે.

  • રાજ્ય સ્તરે: ₹10 લાખ
  • જિલ્લા/મહાનગરપાલિકા સ્તરે: ₹5 લાખ
  • તાલુકા સ્તરે: ₹1 લાખ
  • આ ફંડનો ઉપયોગ તાલીમ, સ્ટેશનરી અને વહીવટી વ્યવસ્થાઓ માટે કરવામાં આવશે.

નાગરિકોને સહયોગ માટે અપીલ

સરકારે તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સાચી અને સંપૂર્ણ માહિતી આપીને આ રાષ્ટ્રીય કાર્યમાં સહયોગ આપે. એકત્રિત થનારો ડેટા આવનારા વર્ષોમાં યોજનાઓ, સુવિધાઓ અને વિકાસ કાર્યક્રમો માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button