અમદાવાદ: ગીતામંદિર બસ સ્ટેન્ડમાં મુસાફરો પાસે પૈસાની ઉઘરાણી કરતા કિન્નરને પોલીસે ઝડપ્યો

અમદાવાદ શહેરના ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડ (ST Bus Stand) ખાતે મુસાફરો પાસે બળજબરીપૂર્વક પૈસા પડાવતા એક કિન્નરને કાગડાપીઠ પોલીસે (Kagdapith Police) રંગેહાથ ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી એસ.ટી. બસમાં મુસાફરી કરતા પેસેન્જરો પાસેથી ધાક ધમકી આપી નાણાંની ઉઘરાણી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ગેરકાયદે પ્રવૃત્તિને રોકવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી કાગડાપીઠ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડે ગત રાત્રિએ ‘ડિકોય’ (Decoy Operation) ગોઠવીને આ સફળ કામગીરી કરી હતી, જેથી બસ સ્ટેન્ડમાં ભયમુક્ત વાતાવરણ જળવાઈ રહે.
કાગડાપીઠ પોલીસ સ્ટેશનના સિનિયર પી.આઈ. એસ.એ. ગોહીલના માર્ગદર્શન હેઠળ પોલીસે આ ગુનાને ડામવા માટે એક ખાસ યોજના બનાવી હતી. પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) જે.આર. બલાત અને તેમની ટીમે પ્લેટફોર્મ પર ઉભેલી જી.એસ.આર.ટી.સી (GSRTC) બસ પાસે એક ડમી મુસાફર (ડીકોય) ઉભો રાખ્યો હતો. આ વ્યૂહરચનાના ભાગરૂપે જ્યારે કિન્નર તે મુસાફર પાસે જઈ બળજબરીથી પૈસા માંગવા લાગ્યો, ત્યારે છૂપી રીતે વોચમાં ઉભેલી પોલીસે તેને રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો.
પકડાયેલ આરોપી કિન્નરનું નામ રૂચિકાદે સુરભિદે પાવૈયા (ઉંમર 19 વર્ષ) હોવાનું સામે આવ્યું છે, જે ઈસનપુર વિસ્તારનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી ડિકોય દરમિયાન પડાવેલા રોકડા ₹120 કબજે કર્યા છે. આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નવા કાયદા મુજબ BNS (Bharatiya Nyaya Sanhita) ની કલમ 308(3) હેઠળ ગુનો (Crime Register) દાખલ કરવામાં આવ્યો છે.




